ગાંગુલી કેમ કહે છે કે ‘ભારતમાં હવે ટર્નિંગ પિચ બનાવવાની જરૂર જ શું છે’

વિશાખાપટ્ટનમ: દાયકાઓથી ભારતની ક્રિકેટ પિચો સ્પિનરોને મદદકર્તા રહી છે અને એના પર ખાસ કરીને ભારતીય સ્પિનરો ખૂબ સફળ થયા છે અને ભારતને તેમણે અસંખ્ય મૅચો જિતાડી આપી છે, પરંતુ અહીં ઇંગ્લૅન્ડ સામેની બીજી ટેસ્ટમાં બીજા દિવસે જસપ્રીત બુમરાહે બ્રિટિશ બૅટરોની ખબર લઈ નાખી અને એક પછી એક શિકાર કરીને માત્ર 45 રનમાં છ વિકેટ લીધી એ સાથે ભૂતપૂર્વ કૅપ્ટન અને ભૂતપૂર્વ બીસીસીઆઇ-પ્રમુખ સૌરવ ગાંગુલીએ સાવ અનોખો અને ચર્ચાસ્પદ વિચાર વ્યક્ત કર્યો છે.
‘દાદા’ ઇચ્છે છે કે બીસીસીઆઇ હવે દેશમાં ટર્નિંગ પિચો જ બનાવવાની પ્રથા જાળવી રાખવાનું હવે બંધ કરે. ગાંગુલીએ ટ્વિટર પર લખ્યું છે કે ‘આપણા બોલરો કોઈ પણ પિચ પર કોઈ પણ હરીફ ટીમ સામે ટેસ્ટમાં તમામ 20 વિકેટ લેવા કાબેલ છે. મને લાગે છે કે બુમરાહ જેવા ફાસ્ટ બોલરો આવા બેમિસાલ પર્ફોર્મન્સ આપી શકતા હોય તો બીસીસીઆઇએ હવે દેશમાં સ્પિનરોને વધુ મદદકર્તા બને એવી પિચો બનાવવાની ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
હું બુમરાહ, શમી, સિરાજ, મુકેશને બોલિંગ કરતા જોઉં છું ત્યારે વિચાર આવે છે કે ભારતમાં આપણે ટર્નિંગ પિચો જ બનાવવા પર ફૉકસ રાખવાની શું જરૂર છે. આપણા ફાસ્ટ બોલરો તેમ જ અશ્ર્વિન, જાડેજા, કુલદીપ અને અક્ષર સહિતના આપણા બોલરો કોઈ પણ પિચ પર ટેસ્ટમાં 20 વિકેટ લેવા સક્ષમ છે. છેલ્લા છ-સાત વર્ષમાં આપણી બૅટિંગ નબળી પડેવાનું કારણ એ છે કે આપણે ત્યાં ગુડ વિકેટ્સ (સ્પોર્ટિંગ પિચો) નથી બનાવવામાં આવતી. મૅચનું ઝડપથી રિઝલ્ટ લાવવાના હેતુથી ટર્નિંગ પિચો બનાવવા પર વધુ ધ્યાન અપાયા છે. જો સ્પોર્ટિંગ પિચો બને તો આપણી ટીમ પાંચ દિવસમાં પણ જીતી શકે એમ છે.’
ગયા વર્ષે ઘરઆંગણે ઑસ્ટ્રેલિયા સામે સિરીઝ રમાયેલી ત્યારે અને ખાસ કરીને ઇન્દોરની પિચને આઇસીસી તરફથી ‘પુઅર’ રેટિંગ મળ્યું એને પગલે પણ ગાંગુલીએ આવું જ મંતવ્ય વ્યક્ત કર્યું હતું.
ગાંગુલીએ અશ્ર્વિનની પ્રશંસા કરતા ટ્વીટ પર લખ્યું કે ‘ગુડ પિચ પર પણ અશ્ર્વિવને કાબિલેદાદ બોલિંગ કરી. તે ક્લાસ બોલર છે અને એ હંમેશાં જોવા મળે.