ICC વર્લ્ડ કપ 2023માં ભારતીય ક્રિકેટ ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. ભારતે વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં રમેલી 7 મેચમાંથી તમામમાં જીત મેળવી છે. પોઈન્ટ ટેબલમાં ભારત 14 પોઈન્ટ સાથે ટોપ પર છે. ટીમ ઈન્ડિયાએ પણ શ્રીલંકા સામે 302 રનની મોટી જીત સાથે સેમિફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. જો કે આજે હાર્દિક પંડ્યા બાકીની ટુર્નામેન્ટમાંથી બહાર થયાનું સ્પષ્ટ થતાં ટીમને મોટો ફટકો પડ્યો છે. હાર્દિક પંડ્યાની જગ્યા એ ટીમમાં યુવા ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
કૃષ્ણની પસંદગી બાદ ટીમ મેનેજમેન્ટ પર પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે. સવાલો ઉભા થઇ રહ્યા છે કે હાર્દિક પંડ્યાની જગ્યાએ અનુભવી ઓલરાઉન્ડર અક્ષર પટેલને ટીમમાં શા માટે સામેલ કરવામાં ન આવ્યો? હાર્દિક માટે અક્ષર કરતાં સારો વિકલ્પ કોણ હોઈ શકે?
ઓલરાઉન્ડર અક્ષર પટેલ વર્લ્ડ કપ 2023 માટે શરૂઆતમાં જાહેર થયેલી ભારતીય ટીમનો ભાગ હતો. એશિયા કપમાં ઈજાના કારણે તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. અક્ષર પટેલની જગ્યાએ અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને ટીમમાં તક મળી છે.
ત્યારબાદ અક્ષર પટેલે બેંગલુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમી(NCA)માં સમય વિતાવ્યો હતો. જ્યાં તે સમય સાથે સ્વસ્થ પણ થઈ ગયો હતો. આ પછી, તેણે ભારતની સ્થાનિક T20 લીગ સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં ગુજરાતની ટીમ માટે બે મેચ પણ રમી. પરંતુ આ પછી તે ફરી એનસીએમાં પરત ફર્યો હતો. આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
એવી ચર્ચા છે કે અક્ષર ફરીથી ઈજાગ્રસ્ત થયો છે અને જેના કારણે તેને NCA પરત ફરવું પડ્યું છે. અક્ષર પટેલે ભારત માટે 54 ODI રમ્યા છે જેમાં તેણે 20.04ની એવરેજથી 481 રન બનાવ્યા છે અને 59 વિકેટ ઝડપી છે.
આ સિવાય જો પ્રસિદ્ધ કૃષ્ણની વાત કરીએ 27 વર્ષના બોલર પ્રસિદ્દે ભારત માટે અત્યાર સુધીમાં 17 વનડે અને 2 ટી-20 રમી છે. તેણે વનડેમાં 29 અને ટી20માં 4 વિકેટ ઝડપી છે.