
મુંબઇઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની સેમી ફાઈનલ મેચમાં વિરાટ કોહલીએ સદી મારવાનો વિક્રમ નોંધાવ્યો હતો, જેમાં દુનિયાભરના ક્રિકેટરોએ કોહલીને બિરદાવ્યો હતો. ભારતના બેટિંગ કોચ વિક્રમ રાઠોડે કહ્યું હતું કે વિરાટ કોહલીએ વિક્રમ કર્યો છે, પરંતુ તે વધુ રન બનાવવા માટે ભૂખ્યો છે. વાસ્તવમાં વિરાટ કોહલી ટીમમાં તેની ભૂમિકાને સારી રીતે સમજે છે અને કોચે તેના પર વધુ ધ્યાન આપવાની જરૂર પડતી નથી.
કોહલીએ ગઈકાલે ન્યૂ ઝીલેન્ડ સામે વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઈનલમાં વન-ડેમાં પોતાની 50મી સદી ફટકારીને સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો. ભારતની 70 રનની જીત બાદ રાઠોડે પત્રકારોને જણાવ્યું હતું કે તે (કોહલી) તેના ક્રિકેટને ખૂબ સારી રીતે સમજે છે અને અમે તેને માત્ર તેની તૈયારીમાં મદદ કરીએ છીએ.
જો તેને કંઈ પણની જરૂર હોય તો તેઓ આવીને પૂછે છે નહીં તો અમે તેને પોતાની રીતે તૈયારી કરવાની સ્વતંત્રતા આપીએ છીએ. તે જાણે છે કે તેણે શું કરવાનું છે. તે ઈચ્છે તે રીતે બેટિંગ કરે છે. સૌથી મહત્વની બાબત એ છે કે સેમી ફાઇનલની મેચ જીતીને ફાઇનલમાં સ્થાન મેળવ્યુ છે. તે પોતાના ક્રિકેટ અને ફિટનેસ પર ખૂબ મહેનત કરે છે. તે હજુ પણ રન માટે ભૂખ્યો છે. ભારતની સફળતાનું રહસ્ય તેની રણનીતિને સારી રીતે લાગુ કરવામાં છે.
રાઠોડે કહ્યું હતું કે તેઓ બધા સખત મહેનત કરી રહ્યા છે અને આ ટુર્નામેન્ટ માટે સારી તૈયારી કરી છે. દરેક વ્યક્તિ વ્યૂહરચનાનો સારી રીતે અમલ કરી રહી છે. પૂરતી મેચો ન મળવા છતાં મોહમ્મદ શમી અને રવિચંદ્રન અશ્વિન જેવા ખેલાડીઓને યોગ્ય માનસિકતામાં રાખવાનો શ્રેય ટીમ મેનેજમેન્ટને જાય છે.