બાંગ્લાદેશના કેપ્ટનને એકાએક ટીમને મૂકીને ઢાકા કેમ જવું પડ્યું?

ઢાકાઃ ભારતમાં રમાઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં બાંગ્લાદેશે પાંચ મેચ રમી છે, જેમાંથી ટીમ ચારમાં હારનો સામનો કરવો પડ્યો છે. એક રિપોર્ટ અનુસાર બાંગ્લાદેશનો કેપ્ટન શાકિબ અલ હસન અચાનક વતન પરત ફર્યો છે.
અગાઉ 24મી ઓક્ટોબરના રોજ બાંગ્લાદેશને સાઉથ આફ્રિકા સામે 149 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. બીજા જ દિવસે કેપ્ટન શાકિબ અલ હસન ઢાકા પહોંચી ગયો છે. હવે બાંગ્લાદેશ તેની આગામી મેચ નેધરલેન્ડ સામે 28 ઓક્ટોબરે કોલકાતામાં રમવાની છે.
એક રિપોર્ટ અનુસાર શાકિબ અલ હસન તેના મેન્ટર નઝમુલ અબેદીન ફહીમને મળવા ગયો હતો. એક અહેવાલ અનુસાર બુધવારે બપોરે ઢાકા પહોંચ્યો હતો. બાંગ્લાદેશે પોતાની અગાઉની મેચમાં દક્ષિણ આફ્રિકા સાથે 149 રનથી હાર્યું હતું.
ઢાકામાં શાકિબ સીધો શેર-એ-બાંગ્લા સ્ટેડિયમ ગયો હતો જ્યાં તેણે ત્રણ કલાક પ્રેક્ટિસ કરી હતી. શાકિબના મેન્ટર નઝમુલ અબેદીન ફહીમે કહ્યું કે તે અહીં ત્રણ દિવસ પ્રેક્ટિસ કરશે અને પછી કોલકાતા પરત ફરશે. બાંગ્લાદેશને સતત બે મેચ કોલકાતામાં જ રમવાની છે. નેધરલેન્ડ બાદ બાંગ્લાદેશની મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં પાકિસ્તાન સામે રમાશે.
શાકિબે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી ચાર મેચ રમી છે, જેમાં તે ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. તેણે ચાર ઇનિંગ્સમાં 14, 01, 40 અને 01 રન કર્યા છે. તેણે પ્રથમ મેચમાં 3 અને બાકીની ત્રણ મેચમાં 1-1 વિકેટ ઝડપી હતી. બોલિંગમાં શાનદાર પ્રદર્શન રહ્યું છે, જેમાં ચાર મેચમાં છ વિકેટ ઝડપવામાં સફળ રહ્યો છે.