સૂર્યકુમારે કેમ આવું કહ્યું, ‘મારે કૅપ્ટન નથી બનવું, મારે તો…’

પલ્લેકેલ: મંગળવારે શ્રીલંકાને ભારતે ત્રીજી અને છેલ્લી ટી-20માં ટાઇ પછીની સુપર ઓવરમાં હરાવ્યું એ સાથે સૂર્યકુમાર યાદવે ફુલટાઇમ કૅપ્ટન તરીકેની પ્રથમ સિરીઝની ટ્રોફી મેળવી હતી અને મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર પણ જીતી લીધો હતો. એ ક્ષણે તેનામાં આનંદ સમાતો નહોતો અને તેણે મૅચ પછીની પ્રતિક્રિયામાં કહ્યું, ‘મારે ક્રિકેટ ટીમના માત્ર કૅપ્ટન નથી બની રહેવું. મારે તો ટીમના લીડર બનવું છે.’
સૂર્યકુમારે શ્રેણીની પહેલી બે મૅચમાં અનુક્રમે 58 અને 26 રન બનાવ્યા હતા અને ત્રીજી મૅચમાં ઑફ-સ્પિનની કમાલથી 20મી દિલધડક ઓવરમાં બે વિકેટ લઈને મૅચ ટાઇ કરાવી હતી અને પછી ભારતની સુપર ઓવરના પહેલા જ બૉલમાં વિનિંગ ફોર ફટકારી દીધી હતી.
આ પણ વાંચો: કેપ્ટન સૂર્યકુમાર અને કોચ ગંભીરનો ધમાકેદાર જીત સાથે શુભારંભ
સૂર્યકુમારે સ્પીચમાં કહ્યું, ‘મેં સિરીઝની પહેલાં પણ કહેલું કે હું કૅપ્ટન નથી બનવા માગતો, મારે તો લીડર બનવું છે.’
સૂર્યકુમારે ટીમના સાથી ખેલાડીઓના પણ ખૂબ વખાણ કર્યા હતા. તેણે કહ્યું, ‘તેમનામાં એટલી બધી કુશળતા છે અને એટલો બધો આત્મવિશ્ર્વાસ છે કે એને કારણે મારું કામ આસાન થઈ જાય છે. ટીમમાં બહુ સારી સકારાત્મકતા છે અને બધા એકમેકની ખૂબ કાળજી રાખે છે. તેમનો અભિગમ અકલ્પનીય છે.
બીજી મૅચ પછી મેં કેટલાક સાથીઓને કહ્યું કે તમને ત્રીજી મૅચમાંથી આરામ આપવાનો છું. એ સાંભળીને તેઓ તરત તૈયાર થઈ ગયા હતા. તેમના આ અભિગમથી મારું કામ સહેલું થઈ જાય છે અને હવે હું ઓછા માનસિક દબાણ સાથે બૅટિંગ કરવા જાઉં છું.’
સૂર્યકુમારે 20મી ઓવરમાં બાજી પલટીને મૅચ ટાઇ કરાવી એ વિશે પૂછાતાં કહ્યું, ‘એ ઓવર કરતાં તો અમારો સ્કોર 30/4 અને 48/5 હતો ત્યારે મારા સાથીઓએ ગજબની પરિપકવતા બતાવી હતી. અમે 140 રનની નજીક પહોંચ્યા અનેે મેં તેમને કહ્યું કે આ પિચ પર આટલો સ્કોર પણ પડકારરૂપ કહેવાય એટલે આપણે જીતી શકીએ એમ છીએ.’