ગાવસકરે યશસ્વીને હોટેલના એલિવેટર પર કેમ ઠપકો આપ્યો હતો?
નવી દિલ્હી: ભારતને સુનીલ ગાવસકર તથા કે. શ્રીકાંત બાદ નવજોત સિંહ સિધુ, સચિન તેન્ડુલકર, વીરેન્દર સેહવાગ, સૌરવ ગાંગુલી, ગૌતમ ગંભીર, રોહિત શર્મા, શિખર ધવન વગેરે આક્રમક ઓપનર્સ બાદ યશસ્વી જયસ્વાલના રૂપમાં નવો ઍગ્રેસિવ અપ્રોચવાળો ઓપનિંગ બૅટર મળ્યો છે. વેસ્ટ ઇન્ડિઝ અને સાઉથ આફ્રિકા બાદ ઇંગ્લૅન્ડ કમાલ બતાડી ચૂકેલા યશસ્વીની કરીઅર હજી તો શરૂ થઈ છે ત્યાં તેને કોઈનો ઠપકો મળે એનાથી તેના કોઈ પણ ચાહકને આઘાત લાગે.
જોકે આ ઠપકો કોઈ લેજન્ડરી ક્રિકેટર આપે અને એનાથી યશસ્વીની કારકિર્દીની ગાડી બરાબર પાટા પર આવી ગયેલી જોવા મળે તો એ આનંદની વાત કહેવાય, ખરુંને?
વાત એવી છે કે યશસ્વી હવે જે રીતે એક પછી એક લાંબી ઇનિંગ્સ રમી શકે છે એ પાછળ અનેક ખેલાડીઓના આદર્શ અને ભારતીય ક્રિકેટના ગૌરવશાળી ઓપનર સુનીલ ગાવસકરની મહત્ત્વની ભૂમિકા છે. ઇંગ્લૅન્ડ સામે તાજેતરમાં જ ઉપરાઉપરી બે ડબલ સેન્ચુરી ફટકારીને યશસ્વી રેકૉર્ડ-બુકમાં આવી ગયો.
ઇંગ્લૅન્ડ સામે એક સિરીઝમાં 700-પ્લસ રન બનાવનાર તે પહેલો જ ભારતીય બૅટર છે. સુનીલ ગાવસકરે 1970ના દાયકામાં બે વખત (1971માં, 1978માં) આવી સિદ્ધિ વેસ્ટ ઇન્ડિઝ સામે મેળવી હતી અને 45 વર્ષે તેમને પોતાની એ અપ્રતિમ ક્લબમાં યશસ્વીનો સાથ મળ્યો છે.
જોકે યશસ્વીને ટેસ્ટ-ક્રિકેટમાં 10,000 રન પૂરા કરનાર પ્રથમ બૅટર ગાવસકરે થોડા મહિના પહેલાં સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમ્યાન હળવો ઠપકો આપ્યો હતો.
ગાવસકર હંમેશાં યુવા ખેલાડીઓને હાફ સેન્ચુરીને સેન્ચુરીમાં કેવી રીતે પરિવર્તિત કરવી એની સલાહ આપતા રહેતા હોય છે.
જુલાઈ, 2023માં યશસ્વી કરીઅરની પહેલી જ ટેસ્ટ-ઇનિંગ્સમાં (વેસ્ટ ઇન્ડિઝના ડૉમિનિકામાં) મૅચ-વિનિંગ 171 રન ફટકારી ચૂક્યો હતો. ભારતે એ મૅચ એક દાવ અને 141 રનથી જીતી લીધી હતી. જોકે ત્યાર પછી ટ્રિનિદાદની બીજી ટેસ્ટના પ્રથમ દાવમાં યશસ્વીએ રોહિત શર્મા સાથે દાવની શરૂઆત કર્યા પછી 57 રનના પોતાના સ્કોર પર વિકેટ ફેંકી દીધી હતી.
તે હોલ્ડરના ખૂબ બહારના બૉલને છેડવા જતાં ગલીથી પણ દૂરના સ્થાને મૅકેન્ઝીને કૅચ આપી બેઠો હતો અને એ સાથે સતત કરીઅરના સતત બીજા દાવમાં સદી ફટકારવાની તક ચૂકી ગયો હતો. ગાવસકરને ત્યારે યશસ્વીનો એ અપ્રોચ બિલકુલ નહોતો ગમ્યો અને તેમણે એ વિશે કૉમેન્ટરીમાં કમેન્ટ પણ કરી હતી.
જોકે એક અહેવાલ પરથી જાણવા મળ્યું છે કે ડિસેમ્બર, 2023માં સાઉથ આફ્રિકામાં સેન્ચુરિયન ખાતે સિરીઝની પ્રથમ ટેસ્ટમાં પ્રથમ દિવસની રમત પછી યશસ્વી ટીમ-હોટેલમાં એલિવરટર પર હતો ત્યારે ગાવસકર પણ તેમની બાજુમાં જ હતા અને ત્યારે ગાવસકરે તેને હળવો ઠપકો આપતા કહેલું કે ‘કેમ તેં ટ્રિનિદાદમાં ખરાબ શૉટ મારેલો? આ રીતે વિકેટ કેમ ફેંકી દીધી હતી? બોલરને હવે પછી કદી પણ આ રીતે વિકેટની ભેટ નહીં આપતો.’
ગાવસકરનું હવે એવું માનવું છે કે યશસ્વીને ત્યારે આપેલો ઠપકો કારગત નીવડ્યો છે, કારણકે ત્યાર બાદ યશસ્વીના બૅટિંગ અપ્રોચમાં ઘણો સુધારો આવ્યો છે અને ઇંગ્લૅન્ડ સામે તેણે બૅક-ટુ-બૅક ટેસ્ટમાં ડબલ સેન્ચુરી ફટકારી છે.
ગાવસકરનું એવું પણ માનવું છે કે ટ્રિનિદાદમાં તેમણે યશસ્વીને જે ઠપકો આપેલો ત્યાર પછી તે ત્રણ હાફ સેન્ચુરી પણ ફટકારી શક્યો છે અને તેમને આશા છે કે યશસ્વી હજી પણ આનાથી મોટી સિદ્ધિઓ મેળવશે તેમ જ તે જે કંઈ છે એ ભારતીય ક્રિકેટને કારણે છે એ તે કદી નહીં ભૂલે.