‘ ફેરવેલ મૅચ થા' રોહિત વિશે ગંભીર આવું શૉકિંગ કેમ બોલ્યો? | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

‘ ફેરવેલ મૅચ થા’ રોહિત વિશે ગંભીર આવું શૉકિંગ કેમ બોલ્યો?

ઍડિલેઇડ: વિરાટ કોહલી ઉપરાંત રોહિત શર્માની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો પણ સંધ્યાકાળ ચાલી રહ્યો છે અને એવામાં તેની નજીકની કોઈ વ્યક્તિ તેના વિશે ફેરવેલ જેવા શબ્દનો પ્રયોગ કરે તો ચોંકી જ જવાય.

એ તો ઠીક છે, પણ ગૌતમ ગંભીર (Gautam Gambhir) જેવો હેડ-કોચ જો રોહિત માટે મજાકમાં પણ ફેરવેલ શબ્દનો ઉચ્ચાર કરે તો એ નાનીસૂની વાત ન કહેવાય, ખરુંને?

રોહિત શર્મા (Rohit sharma) આમ તો થોડા સમયથી આઉટ-ઑફ-ફૉર્મ હતો જ, માર્ચ મહિના પછી ઇન્ટરનેશનલ મૅચ માટે ગ્રાઉન્ડ પર સાત મહિને જોવા મળ્યો અને એવામાં રવિવારે પર્થમાં ઑસ્ટ્રેલિયા સામેની પહેલી વન-ડેમાં ફક્ત આઠ રનમાં આઉટ થઈ ગયો એટલે તેના ટીકાકારોને તીર પર તીર છોડવાનો સારો મોકો મળી ગયો.

જોકે ગુરુવારે ભારત બીજી વન-ડેમાં હારી જતાં સિરીઝની ટ્રોફી ગુમાવી બેઠું, પરંતુ રોહિતે 73 રન કરીને ટીકાકારોની બોલતી બંધ કરી દીધી હતી.

હવે ફેરવેલવાળી મજાક (Joke)ની વાત પર પાછા આવીએ તો ગૌતમ ગંભીરે હોટેલમાં આવતી વખતે પ્રેસ ફોટોગ્રાફર્સ અને વીડિયોગ્રાફર્સની વિનંતીઓ વચ્ચે રોહિતને મજાકમાં કહ્યું, ‘ રોહિત, સબ કો લગ રહા થા કિ આજ ફેરવેલ મૅચ થા. એક ફોટો તો લગા દો.’

આ સાંભળીને ખુદ રોહિત (Rohit) અને બીજા ખેલાડીઓ હસી પડ્યા હતા. ગંભીર (Gambhir)ની આ હળવી મજાક એવા સમયે થઈ છે જયારે ચર્ચા થઈ રહી છે કે રોહિતની વન-ડે કરીઅર 2027ના વર્લ્ડ કપ સુધી ટકી રહેશે કે કેમ!

રોહિતની રેકોર્ડ બુક

(1) વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીયોમાં રોહિતે સૌરવની ત્રીજી રેન્ક આંચકી લીધી છે. વન-ડેમાં રોહિતના 11,249 રન છે જેમાં તેના વિશ્વવિક્રમી 264 રન પણ સામેલ છે. ભારતીયોમાં રોહિતથી સચિન (18,426 રન) અને વિરાટ (14,181 રન) આગળ છે.

(2) વન-ડેમાં ઓપનર તરીકે સૌથી વધુ રન કરનારા ભારતીયોમાં ગાંગુલી (9,146 રન)થી રોહિત (9,219 રન) આગળ થઈ ગયો છે.

(3) વન-ડેના સૌથી વધુ રનકર્તા ઓપનર્સમાં રોહિત (9,219 રન) હવે ચોથા નંબરે છે. તેણે ઍડમ ગિલક્રિસ્ટ (9,200 રન)ને પાછળ રાખી દીધો છે. પહેલા ત્રણ સ્થાને સચિન (15,310 રન), જયસૂર્યા (12,740 રન) અને ક્રિસ ગેઇલ (10,179 રન) છે.

આપણ વાંચો:  ભારતીય મહિલાઓ સેમિફાઇનલમાં

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button