સ્પોર્ટસ

ક્વિટૉવા હારી જતાં કૉમેન્ટેટર માર્ટિના નવરાતિલોવા કેમ રડી પડ્યાં?

લંડનઃ બે વખત વિમ્બલ્ડન (Wimbledon) ચૅમ્પિયનશિપના સિંગલ્સના ટાઇટલ જીતી ચૂકેલી ચેક રિપબ્લિકની પેટ્રા ક્વિટોવા (Petra Kvitova) અહીં આ વખતની વિમ્બલ્ડનના પહેલા જ રાઉન્ડમાં હારી જતાં સ્પર્ધાની બહાર થઈ ગઈ ત્યાર બાદ ભાવુક થઈ ગયેલાં મહિલા ટેનિસના ભૂતપૂર્વ સુપરસ્ટાર માર્ટિના નવરાતિલોવા (Martina Navratilova) ખૂબ રડી પડ્યાં હતાં.

એક બાળકની માતા ક્વિટોવાનો પ્રથમ રાઉન્ડમાં એમ્મા નૅવારો સામે 3-6, 1-6થી પરાજય થયો હતો. તેણે આ સ્પર્ધા શરૂ થયા પહેલાં જ કહી દીધું હતું કે આ તેની છેલ્લી સીઝન છે અને તે વર્ષની અંતિમ ગૅ્રન્ડ સ્લૅમ યુએસ ઓપન પછી નિવૃત્ત થઈ જશે. એ સાથે, તેની આ અંતિમ વિમ્બલ્ડન ચૅમ્પિયનશિપ હતી અને તેને ટેનિસ કોર્ટ પર જ ફેરવેલ આપવામાં આવ્યું હતું. આયોજકોએ તેને સ્પીચ આપવા માટે ટેનિસ કોર્ટ પર જ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: વિમ્બલ્ડનમાં રેકૉર્ડ-બ્રેક ગરમીમાં જીતતાં વર્લ્ડ નંબર-ટૂ અલ્કારાઝના `નાકે દમ આવી ગયો’

2016ની રિયો ઑલિમ્પિક્સમાં ચેક રિપબ્લિક વતી બ્રૉન્ઝ મેડલ જીતનાર ક્વિટોવાએ ત્યારે જે હૃદયસ્પર્શી ભાવ વ્યક્ત કર્યા ત્યારે કૉમેન્ટરી બૉક્સમાં બેઠેલાં તેના જ દેશનાં ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન ખેલાડી નવરાતિલોવા આંસુ રોકી નહોતાં શક્યાં.
નવરાતિલોવા નવ વખત વિમ્બલ્ડનું સિંગલ્સનું ટાઇટલ જીત્યાં હતાં. તેઓ ક્વિટોવા વિશે કંઈ પણ બોલવાની સ્થિતિમાં નહોતા. તેઓ એટલું જ બોલ્યા હતા કે ક્વિટોવા વિશે કંઈ પણ અત્યારે કહેવું મારા માટે મુશ્કેલ છે. ફક્ત એટલું જ કહીશ કે તે ટેનિસ કોર્ટ પર અને કોર્ટની બહાર પણ બહુ જ સારી વ્યક્તિ છે. તે જ્યાં પણ જાય છે ત્યાં રોલ મૉડેલ બની જાય છે.’ નવરાતિલોવાને તેના જ દેશની ક્વિટોવા ખૂબ પ્રિય છે. ખુદ ક્વિટોવા તેમની કરીઅર પરથી પ્રોત્સાહિત થઈને ટેનિસ ખેલાડી બની હતી. ડાબા હાથે પાવરફુલ ગ્રાઉન્ડસ્ટ્રૉક ફટકારવા માટે જાણીતી ક્વિટોવાએ સ્પીચમાં કહ્યું હતું કે અહીં વિમ્બલ્ડનમાં રમવું મને ખૂબ જ ગમ્યું હતું. એમ્મા નૅવારોને અભિનંદન અને ગુડ લક. હું વિમ્બલ્ડનને ખૂબ મિસ કરીશ. સમગ્ર ટેનિસ મિસ કરીશ અને મારા ચાહકોને પણ. હું મારા બધા કોચનો આભાર માનું છું. મારા ડૅડી મારા પ્રથમ કોચ હતા અને મારા પતિ (યિરી વાનેક) મારા છેલ્લા કોચ છે. હું તેઓ બન્નેનો અને સમગ્ર પરિવારનો આભાર માનું છું.’

35 વર્ષની ક્વિટોવા 2011માં અને 2014માં વિમ્બલ્ડનનું ટાઇટલ જીતી હતી. તેણે 2022માં તેના કોચ યિરી વાનેક સાથે સગાઈ કરી હતી. 47 વર્ષનો વાનેક એક પણ ગ્રેન્ડ સ્લૅમ ટાઇટલ નહોતો જીતી શક્યો. ગયા વર્ષે જુલાઈમાં આ દંપતી પ્રથમ બાળકના પૅરેન્ટ્સ બન્યાં હતાં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button