ભારતનો ડી. ગુકેશ ચીનના ચેસ વર્લ્ડ ચૅમ્પિયનને કેમ ચેન્નઈમાં નહીં પડકારી શકે?

નવી દિલ્હી: ભારતનો ટીનેજ ચેસ-સ્ટાર ડી. ગુકેશ આગામી નવેમ્બરમાં હોમ-ગ્રાઉન્ડ ચેન્નઈમાં વર્લ્ડ ચૅમ્પિયનશિપ મુકાબલામાં ચીનના વર્લ્ડ ચૅમ્પિયન ચેસ ખેલાડી ડિન્ગ લિરેનને પડકારશે એવી સંભાવના હતી, પરંતુ એવું હવે નહીં બને. કારણ એ છે કે આ મુકાબલાનું આયોજન કરવાનું બિડ સિંગાપોરે જીતી લીધું છે. એ મુકાલબાની સાથે મોટી ચેસ સ્પર્ધા પણ યોજાવાની છે.
આ પણ વાંચો: World Chess Championship: ભારતનો ટીનેજ ચેસસ્ટાર ડી. ગુકેશ (Gukesh) ચેન્નઈમાં બની શકશે વર્લ્ડ ચૅમ્પિયન?
ભારત તરફથી દિલ્હી અને ચેન્નઈ, એમ બેમાંથી કોઈ એક સ્થળે ગુકેશ તથા લિરેન વચ્ચેની મેગા મૅચ રાખવા માટે બિડ મોકલવામાં આવ્યું હતું. જોકે યજમાની માટેના શહેર, ત્યાં ખેલાડીઓ અને તેમના સ્ટાફને મળનારી સગવડો, ઇવેન્ટને લગતા પ્રોગ્રામ વગેરે બાબતમાં ઇન્ટરનૅશનલ ચેસ ફેડરેશને સમીક્ષા કરીને છેવટે સિંગાપોરને પસંદ કર્યું હતું.
17 વર્ષના ગુકેશે એપ્રિલમાં કૅન્ડિડેટ્સ ટૂર્નામેન્ટ જીતીને નવો ઇતિહાસ સર્જ્યો હતો. ડિફેન્ડિંગ વર્લ્ડ ચૅમ્પિયનને પડકારનારો તે યંગેસ્ટ ખેલાડી કહેવાશે.
આ પણ વાંચો: ટીનેજ ચેસસમ્રાટ ગુકેશ પર લાખો રૂપિયાના ઇનામની વર્ષા
સિંગાપોરમાં વર્લ્ડ ચૅમ્પિયન બનનારને 2.5 મિલ્યન ડૉલર (અંદાજે 21 કરોડ રૂપિયા)નું ઇનામ મળશે.
ભારત વતી તામિલનાડુ રાજ્ય સરકારે અને ઑલ ઇન્ડિયા ચેસ ફેડરેશને અલગથી અનુક્રમે ચેન્નઈ તથા દિલ્હીને ચેસની વર્લ્ડ ચૅમ્પિયનશિપનું યજમાન બનાવવા અરજી કરી હતી.