સ્પોર્ટસ

બીસીસીઆઇના નવા સેક્રેટરી કોણ? ગુજરાતના અનિલ પટેલ, રોહન જેટલી સહિત ત્રણ નામ બોલાય છે

નવી દિલ્હીઃ જય શાહે બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ના સેક્રેટરીના હોદ્દે સફળ પાંચ વર્ષ પૂરા કર્યા બાદ હવે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના ચૅરમૅનપદે કારભાર સંભાળી લીધો એને પગલે હવે બીસીસીઆઇમાં તેમનું ખાલી પડેલું સ્થાન કોણ લેશે એ મુદ્દો રસપ્રદ બન્યો છે.

બીસીસીઆઇમાં જય શાહના અનુગામી તરીકે ગુજરાતના અનિલ પટેલ તથા બીસીસીઆઇના વર્તમાન સંયુક્ત મંત્રી દેવજીત સાઇકિયાનું નામ બોલાય છે.

જય શાહ પહેલી ડિસેમ્બરથી આઇસીસીના યંગેસ્ટ ચૅરમૅન બન્યા છે. તેઓ આ પ્રતિષ્ઠિત હોદ્દા પર બિનહરીફ ચૂંટાયા છે.
બીસીસીઆઇમાં 2022ની સાલમાં બંધારણમાં જે સુધારાવધારા થયા એ અનુસાર વિશ્વના આ સૌથી શ્રીમંત ક્રિકેટ બોર્ડના સેક્રેટરી પાસે ક્રિકેટ તેમ જ ક્રિકેટ સિવાયની બોર્ડ સંબંધિત બાબતોમાં નિર્ણય લેવાની તમામ પ્રકારની સત્તા હોય છે.

આપણ વાંચો: બીસીસીઆઇએ ઑસ્ટ્રેલિયન ટૂર માટે ટીમ ઇન્ડિયાની નવી ટ્રેઇનિંગ કિટ ગૂપચૂપ લૉન્ચ કરી!

ક્રેટરીના સુપરવિઝન હેઠળ ચીફ એક્ઝિક્યૂટિવ ઑફિસર (સીઇઓ) પોતાના કાર્યો પાર પાડે છે.
બીસીસીઆઇના અનુગામી તરીકે અનિલ પટેલ તથા સાઇકિયા ઉપરાંત દિલ્હી સ્ટેટ ક્રિકેટ ઍસોસિયેશનના પ્રમુખ રોહન જેટલીનું નામ પણ બોલાય છે.

જોકે જેટલીનું નામ માત્ર એક અટકળ મનાય છે. ભાજપના સદ્દગત નેતા અરુણ જેટલીના પુત્ર રોહન જેટલી દિલ્હીના જાણીતા ધારાશાસ્ત્રી છે.

ગુજરાતના ભૂતપૂર્વ બૅટર અનિલ પટેલ ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશન (જીસીએ)ના સેક્રેટરી છે. તેઓ 66 વર્ષના છે અને 2023માં ટેસ્ટના વર્લ્ડ કપની ઑસ્ટ્રેલિયા સામેની ફાઇનલ વખતે ભારતીય ટીમના મૅનેજર હતા. એ અગાઉ, 2016માં અન્ડર-19 વર્લ્ડ કપ વખતે તેઓ ભારતીય ટીમના મૅનેજર હતા.

આપણ વાંચો: કેન્દ્ર સરકારે પાકિસ્તાનના પ્રવાસ વિશે બીસીસીઆઇને કહી દીધું કે…

બીસીસીઆઇના કોઈ ચૂંટાયેલા હોદ્દેદાર રાજીનામું આપે તો ક્રિકેટ બોર્ડે 45 દિવસની અંદર ખાસ સભા બોલાવીને તેમના અનુગામી પસંદ કરવા પડે છે. એ સંબંધમાં જય શાહના અનુગામી સિલેક્ટ કરવા બોર્ડ પાસે હજી જાન્યુઆરીના મધ્ય ભાગ સુધીનો સમય છે.

આઇસીસીની મહત્ત્વની મીટિંગમાં બીસીસીઆઇના પ્રતિનિધિ તરીકે વર્ષોથી જય શાહ હાજરી આપતા હતા. હવે જય શાહ આઇસીસીમાં ગયા હોવાથી ક્રિકેટ બોર્ડના પ્રતિનિધિ તરીકે કોણ હાજરી આપશે એ પર પણ બોર્ડમાં ચર્ચા થઈ રહી છે.

બોર્ડ-પ્રમુખ રોજર બિન્ની આવનારા દિવસોમાં આ મુદ્દે પણ વ્યસ્ત રહેશે. આઇસીસીના ચીફ એક્ઝિક્યૂટિવોની કમિટીમાં આઇપીએલના ચૅરમૅન અરુણ ધુમાલ ભારતના પ્રતિનિધિ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button