શાહીન આફ્રિદીનો ડેપ્યુટી કોને બનાવાયો?
બાબર આઝમે ટેસ્ટ તેમ જ વન-ડે અને ટી-20, ત્રણેય ફૉર્મેટમાં કૅપ્ટન્સી છોડી ત્યાર પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું અને સિલેક્શન કમિટીનું કામ વધી ગયું છે. શાન મસૂદને ટેસ્ટ ટીમનું સુકાન સોંપાયું ત્યાર બાદ ટી-20 ટીમના નેતૃત્વની જવાબદારી શાહીન શાહ આફ્રિદીને સોંપવામાં આવી.
મંગળવારે એક મહત્ત્વનો નિર્ણય લેવાયો જેમાં શાહીન આફ્રિદીને ડેપ્યુટી આપવામાં આવ્યો છે અને તે છે મોહમ્મદ રિઝવાન. બુધવાર, 12 જાન્યુઆરીએ ન્યૂ ઝીલૅન્ડમાં પાકિસ્તાનની ટી-20 સિરીઝ શરૂ થઈ રહી છે એટલે રિઝવાનની વાઇસ-કૅપ્ટન તરીકેની જવાબદારી તાબડતોબ શરૂ થઈ રહી છે.
શાહીન આફ્રિદીને ટી-20નો સુકાની બનાવાયો એ ખુદ તેના સસરા શાહિદ આફ્રિદીને નથી ગમ્યું, પરંતુ હવે શાહીનને ડેપ્યુટીના રૂપમાં રિઝવાન જેવો અનુભવી ખેલાડી મળી ગયો છે એનાથી શાહિદ આફ્રિદીને કદાચ સંતોષ થયો હશે. ખુદ રિઝવાને કહ્યું છે, ‘મને ટી-20 ટીમનો વાઇસ-કૅપ્ટન બનાવાયો એ બદલ ગર્વ અનુભવું છું. આ જવાબદારી આપવા બદલ હું ક્રિકેટ બોર્ડનો આભારી છું. કૅપ્ટન, કોચ તેમ જ ટીમના બધા ખેલાડીઓ સાથે કામ કરવાની મને ખૂબ મજા આવશે અને અમે બધા ટીમની સફળતા માટે પૂરતું યોગદાન આપીશું.’
રિઝવાનને લેફ્ટ-આર્મ સ્પિનર શાદાબ ખાનના સ્થાને વાઇસ-કૅપ્ટન્સી સોંપાઈ છે. રિઝવાનની ટી-20 કરીઅર શાનદાર રહી છે. તેણે 73 ઇનિંગ્સમાં એક સેન્ચુરી અને પચીસ હાફ સેન્ચુરીની મદદથી અને 49.07ની સરેરાશે કુલ 2797 રન બનાવ્યા છે. જોકે થોડા વર્ષોમાં તેનો 127.30નો જે સ્ટ્રાઇક-રેટ છે એ બદલ તેની ટીકા થઈ છે. તે વિકેટકીપર છે અને તેણે 41 કૅચ પણ પકડ્યા છે અને 11 સ્ટમ્પિંગ કરી છે.