સુનીલ ગાવસકરે કોને ભારતરત્નથી નવાજવાની ભલામણ કરી?
ક્રિકેટરોમાં એકમાત્ર સચિનને આ સર્વોચ્ચ પુરસ્કારથી નવાજવામાં આવ્યો છે

નવી દિલ્હી: ભારતના બૅટિંગ-લેજન્ડ અને હરીફ ક્રિકેટ ટીમોના બોલર્સ સામે ‘ધ વૉલ’ બની જનાર રાહુલ દ્રવિડ (Rahul Dravid)ને દેશના સર્વોચ્ચ પુરસ્કાર ભારતરત્નથી નવાજવાનું મહાન ક્રિકેટર સુનીલ ગાવસકરે (Sunil Gavaskar) સરકારને સૂચન કર્યું છે. સનીના મતે દ્રવિડે ભારતીય ક્રિકેટમાં એકંદરે ખેલાડી તરીકે, કૅપ્ટન તરીકે અને હેડ-કોચ તરીકે જે યોગદાન આપ્યું છે એ જોતાં તે આ સર્વોત્તમ પારિતોષિકને પાત્ર છે.
2007માં વેસ્ટ ઇન્ડિઝમાં ભારત વન-ડેના વર્લ્ડ કપમાંથી વહેલું આઉટ થઈ ગયું હતું ત્યારે દ્રવિડની આગેવાની સામે અનેક પ્રશ્ર્નો ઊઠ્યા હતા. જોકે 17 વર્ષ બાદ તેના કમાલના કોચિંગમાં ટીમ ઇન્ડિયા ટી-20નો વર્લ્ડ કપ જીતી ગઈ એ બતાવે છે કે દ્રવિડે પોણાબે દાયકા દરમ્યાન (2012 સુધી ખેલાડી તરીકે, એનસીએના ચીફ-કોચ તરીકે અને ત્યાર બાદ છેલ્લા બે વર્ષમાં ટીમ ઇન્ડિયાના હેડ-કોચ તરીકે) ભારતને અનેક મૅચો જિતાડી આપી છે. ખાસ કરીને ભારત 13 વર્ષથી જે મોટી આઇસીસી ટ્રોફીની તલાશમાં હતું એ દ્રવિડે મેળવી આપી છે.
ભારત વતી દ્રવિડે કુલ 511 ઇન્ટરનૅશનલ મૅચમાં 48 સેન્ચુરી અને 146 હાફ સેન્ચુરી સહિત કુલ 24,100થી પણ વધુ રન બનાવ્યા હતા.
આ પણ વાંચો: રાષ્ટ્રપતિએ ભારતરત્ન એનાયત કર્યા
ગુરુવારે દિલ્હી અને પછી ખાસ કરીને મુંબઈમાં લાખો લોકોએ વર્લ્ડ ચૅમ્પિયન ભારતીય ખેલાડીઓનું જે સન્માન કર્યું એની સાથે દ્રવિડના કોચિંગની પણ કદર થઈ હતી. દ્રવિડે બાર્બેડોઝમાં વિશ્ર્વવિજેતાપદની ટ્રોફી ઊંચકીને આનંદનો જે ઉન્માદ બતાવ્યો એવો અગાઉ ક્યારેય નહોતો જોવા મળ્યો.
સુનીલ ગાવસકરે સરકારને ભલામણ કરી છે કે રાહુલ દ્રવિડને દેશના સૌથી પ્રતિષ્ઠિત ભારતરત્ન પુરસ્કારથી સન્માનિત કરવો જોઈએ. સચિન તેન્ડુલકર એકમાત્ર ક્રિકેટર છે જેને ભારતરત્નથી નવાજવામાં આવ્યો છે.
ઇંગ્લૅન્ડમાં ટેસ્ટ-સિરીઝ જીતનાર ત્રણ ભારતીય કૅપ્ટનોમાંના એક દ્રવિડનું વેસ્ટ ઇન્ડિઝમાં ભારતે મેળવેલા વિજયમાં પણ બહુ મોટું યોગદાન હતું, એનો ઉલ્લેખ કરીને ગાવસકરે એક જાણીતા દૈનિકની કૉલમમાં ખાસ કરીને બેન્ગલૂરુની નૅશનલ ક્રિકેટ ઍકેડેમી (એનસીએ)ના ચીફ-કોચ તરીકે દેશમાંથી ટૅલન્ટેડ ક્રિકેટર શોધી આપવામાં દ્રવિડની જે મહત્ત્વની ભૂમિકા રહી છે એ તરફ પણ ધ્યાન દોર્યું હતું.
ગાવસકરે જણાવ્યું છે કે ‘દ્રવિડના પર્ફોર્મન્સે તમામ વર્ગના અને તમામ જાતિના લોકોને, તમામ પ્રકારના સમુદાયને તેમ જ નાના-મોટા બધાને ખૂબ મોજ કરાવી છે. આ બદલ દ્રવિડને સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવો જ જોઈએ.’ આવું જણાવીને ગાવસકરે ભારતીય ક્રિકેટના મહાન સપૂત રાહુલ શરદ દ્રવિડના યોગદાનને ઓળખીને તેને ભારતરત્નથી નવાજવાની કેન્દ્ર સરકારને ભલામણ કરવામાં પોતાની સાથે જોડાવાની સૌને અપીલ કરી છે.