ચહલે ‘મોયે મોયે’ કહીને કોની મજાક ઉડાડી?
ભારતના એક સમયના સ્પિન-સ્ટાર યુઝવેન્દ્ર ચહલને 2021માં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી)ના ફ્રૅન્ચાઇઝીએ કેમ રિટેન નહોતો કર્યો અને આરસીબીમાંથી રાજસ્થાન રૉયલ્સ (આરઆર)માં તેનું સ્થળાંતર કેમ થયું એ હજી પણ તેના ઘણા ચાહકોને નહીં સમજાયું હોય. જે કંઈ હોય, પણ તે આરસીબીથી દૂર કરાયો ત્યાર પછી ઇન્ટરનૅશનલ કરીઅરમાં પણ તેની પડતી જોવા મળી છે. ઘણા તો એવું પણ માનતા હશે કે ટીમ ઇન્ડિયાની લિમિટેડ ઓવર્સ ક્રિકેટની ટીમમાંથી ચહલને કેમ ડ્રોપ કરવામાં આવ્યો છે?
આરસીબીની ટીમ તાજેતરના ઑક્શન વખતે ખાસ કરીને એના બોલર્સની બાબતમાં ખૂબ ચર્ચામાં હતી. હર્ષલ પટેલ, વનિન્દુ હસરંગા અને જૉશ હૅઝલવુડને રિલીઝ કર્યા બાદ આરસીબી માટે બોલિંગ લાઇન-અપને તૈયાર કરવી બહુ મોટી ચૅલેન્જ હતી. એક તો એણે મુંબઈ ઇન્ડિયન્સ પાસેથી કૅમેરન ગ્રીનને મસમોટી રકમમાં ખરીદ્યો, હરાજીમાં અલ્ઝારી જોસેફને 11.50 કરોડ રૂપિયામાં મેળવ્યો અને લૉકી ફર્ગ્યુસનને બેઝ પ્રાઇસમાં મેળવી લીધો. આરસીબી પાસે સ્પિન-આક્રમણ માટે ખાસ કરીને કર્ણ શર્મા અને મયંક ડાગર છે.
ચહલને તાજેતરમાં એક ગૅમિંગ બ્રૉડકાસ્ટમાં આરસીબીના ન્યુ-લુક બોલિંગ-અટૅક વિશે પૂછવામાં આવ્યું તો તેણે માત્ર બે શબ્દોમાં પ્રતિક્રિયા આપી. રાજસ્થાન રૉયલ્સના સ્ટાર ચહલે મજાકના મૂડમાં કહ્યું કે ‘મોયે મોયે’. સર્બિયા દેશથી તો સૌકોઈ પરિચિત હશે જ. ટેનિસ-સમ્રાટ નોવાક જૉકોવિચ ત્યાંનો છે અને તેના દેશમાં ઇન્ટરનેટ પરના મીમ્સમાં આ ફેમસ ગીતના શબ્દો અચૂક વપરાય છે. એનો અર્થ ‘ખરાબ સપનું’ અથવા તો ‘ભયંકર કડવો અનુભવ’ થાય છે. હવે તમે જ સમજી જાઓ કે ચહલ આરસીબીના બોલિંગ-આક્રમણ વિશે શું કહેવા માગતો હશે.