રાહુલની ગેરહાજરી કોના માટે વરદાન બની શકે?
રાંચી: ઇંગ્લૅન્ડ સામેની પાંચ ટેસ્ટવાળી સિરીઝમાં ભારત 2-1થી આગળ થઈને હાલમાં સારી સ્થિતિમાં છે અને ચોથી ટેસ્ટ શુક્રવારે (23મીએ) રાંચીમાં શરૂ થવાની છે જેની પહેલાં ભારતીય ટીમનો જુસ્સો બુલંદ તો છે, પરંતુ થોડી ચિંતા પણ છે. જસપ્રીત બુમરાહને વર્કલૉડ મૅનેજમેન્ટે આ ટેસ્ટમાંથી આરામ આપ્યો હોવાથી ભારતનું પેસ આક્રમણ થોડું નબળું પડી ગયું કહી શકાય. બીજું, કેએલ રાહુલ ઈજામાંથી પૂરેપૂરો મુક્ત નથી થયો.
જોકે રાહુલની વધુ ગેરહાજરી રજત પાટીદાર માટે છૂપા આશીર્વાદ બની શકે. પાટીદારે આ સિરીઝમાં ડેબ્યૂ કર્યું છે અને બે ટેસ્ટના ચાર દાવમાં તે ફ્લૉપ (9, 32, 0 અને 5) રહ્યો છે. રાહુલ નહીં રમે એટલે પાટીદારને વધુ તક મળી શકે અને એ તેના માટે આકરી કસોટી બની જશે. તેનું બૅટ અત્યાર સુધી શાંત રહ્યું છે, પણ રાંચીમાં તેનું બૅટ બોલશે અને ટીમના બીજા બૅટર્સ પણ સારું રમશે તો સિરીઝમાં 3-1ની વિજયી સરસાઈ મળી જ ગઈ સમજો.
આઇપીએલમાં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરની ટીમમાં વિરાટ કોહલી સાથે મળીને કમાલ દેખાડી ચૂકેલો પાટીદાર રાંચીની ટેસ્ટમાં કોહલીની ગેરહાજરી નહીં વર્તાવા દે તો આઇપીએલ પછીની સિરીઝોમાં તેને ફરી ભારત વતી રમવાનો મોકો મળશે એ નક્કી છે. હા, એ પહેલાં મધ્ય પ્રદેશના આ પિંચ હિટરે 2024ની આઇપીએલમાં ફરી સારું રમવું જ પડશે.