બૅક-ટુ-બૅક ચૅમ્પિયન્સ લીગ ટાઇટલ જીતવાનું કઈ ટોચની ફૂટબૉલ ટીમનું સપનું અધૂરું રહી ગયું?

મૅન્ચેસ્ટર (ઇંગ્લૅન્ડ): યુરોપિયન ફૂટબૉલમાં મૅન્ચેસ્ટર સિટીની ટીમ અત્યંત લોકપ્રિય છે, પરંતુ આ વખતની ચૅમ્પિયન્સ લીગમાં એના વળતા પાણી છે.
ક્વૉર્ટર ફાઇનલમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન મૅન્ચેસ્ટર સિટીને રિયલ મૅડ્રિડે બુધવારે પેનલ્ટી શૂટઆઉટમાં 4-3થી હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. એ સાથે, રિયલ મૅડ્રિડે મૅન્ચેસ્ટર શહેરના સ્ટેડિયમમાં મૅન્ચેસ્ટર સિટીને હરાવીને હજારો પ્રેક્ષકોને શાંત પાડી દીધા હતા. ગઈ સીઝનની ચૅમ્પિયન્સ લીગની ટ્રોફી મૅન્ચેસ્ટર સિટીએ જીતી લીધી હતી.
બૅક-ટૂ-બૅક ચૅમ્પિયન્સ લીગ ટાઇટલ જીતનારી ઇંગ્લૅન્ડની પ્રથમ ફૂટબૉલ ક્લબ ટીમ બનવાનું મૅન્ચેસ્ટર સિટીનું સપનું અધરું રહી ગયું છે. જોકે સિટીની ટીમ હજી ઇંગ્લિશ પ્રીમિયર લીગ અને એફએ કપના ટાઇટલ માટેની રેસમાં છે.
બીજી તરફ, રિયલ મૅડ્રિડ વિક્રમજનક 15મું ટાઇટલ જીતી શકે. નૅઝ્યો ફર્નાન્ડેઝ રિયલ મૅડ્રિડનો કૅપ્ટન છે અને ટીમના જાણીતા ખેલાડીઓમાં વાઇસ-કૅપ્ટન લૂકા મૉડ્રિચ, જૂડ બેલિંગમ, ટૉની ક્રૂઝ, વિનિસિયસ જુનિયર સામેલ છે.
ક્વૉર્ટર ફાઇનલ બે તબક્કામાં રમાઈ હતી જેમાં પ્રથમ તબક્કાનો 3-3થી ડ્રૉ રહ્યો હતો અને બીજા તબક્કામાં પણ મૅચ 1-1થી ડ્રૉમાં ગઈ હતી. પેનલ્ટી શૂટઆઉટમાં મૅન્ચેસ્ટર સિટીની 3-4થી હાર થઈ હતી. અન્ય ક્વૉર્ટર ફાઇનલ્સમાં બાયર્ન મ્યૂનિકે આર્સેનલને 3-2થી અને બોરુસિયા ડોર્ટમન્ડે ઍટ્લેટિકો મૅડ્રિડને 5-4થી પરાજિત કરી હતી.
બે તબક્કાની સેમિ ફાઇનલમાં કોણ કોની સામે?
30 એપ્રિલ, 8 મે: રિયલ મૅડ્રિડ વિરુદ્ધ બાયર્ન મ્યૂનિક
1 મે, 7 મે: પીએસજી વિરુદ્ધ બોરુસિયા ડોર્ટમન્ડ