આ ભારતીય ક્રિકેટરના નામ પર રાખવામાં આવ્યું છે રેલવે સ્ટેશનનું નામ? લિટલ માસ્ટરે કર્યો ખુલાસો…

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર અને બેસ્ટ ઓપનિંગ બેટ્સમેન તરીકે પંકાયેલા સુનિલ ગાવસ્કરની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં ગાવસ્કર એક રેલવે સ્ટેશન પર ઊભા છે અને એના બોર્ડ તરફ ઈશારો કરતાં દેખાઈ રહ્યા છે. હવે વાત કરીએ રેલવે સ્ટેશનના નામની તો એ છે સચિન.
સચિન નામનું રેલવે સ્ટેશન ગુજરાતમાં આવેલું છે અને મજાની વાત તો એ છે કે સચિન તેંડુલકરે ખુદ આ પોસ્ટ પર કમેન્ટ કરી છે. પણ આ બધા વચ્ચે નેટિઝન્સ વચ્ચે એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે આખરે આ રેલવે સ્ટેશનનું નામ સચિન કેમ રાખવામાં આવ્યું? માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુકલર સાથે આ સ્ટેશનનું કંઈ સંબંધ છે કે કેમ?
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ ફોટોમાં ગાવસ્કર સચિન નામના રેલવે સ્ટેશનના બોર્ડ સાથે ઉભેલા જોવા મળે છે અને આ ફોટોની કેપ્શનમાં તેમણે લખ્યું છે કે પહેલાંના સદીના લોકોની દૂરંદેશી કાબિલેદાદ હતી અને આ જ કારણે તેમણે સુરતની નજીક આવેલા એક રેલવે સ્ટેશનનું નામ ક્રિકેટવર્લ્ડના મહાન ખેલાડીઓમાંથી એક એવા સચિન તેંડુલકર પરથી રાખ્યું છે. સચિન મારો મનપસંદ ક્રિકેટર તો છે જ પણ એની સાથે સાથે જ તે વ્યક્તિ તરીકે પણ મને ગમે છે.
સુનિલ ગાવસ્કરની આ પોસ્ટ પર ખુદ ક્રિકેટના ગોડ સચિન તેંડુલકરે કમેન્ટ કરી હતી. સચિને કમેન્ટમાં લખ્યું છે કે ગાવસ્કર સર, તમારા શબ્દ મારા માટે ખૂબ જ મહત્ત્વના છે. સચિન નામની આ જગ્યાનું વાતાવરણ આટલું બધું આહ્લાદક છે જે જોઈને મને ખૂબ જ આનંદ થયો છે. નેટિઝન્સ આ ફોટો પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે એક જણે લખ્યું છે કે આ સ્ટેશન મારા ગામથી માત્ર 20 કિલોમીટ દૂર છે. બીજા એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું છે કે તમે અહીં શું કરી રહ્યા છો…
વાત કરીએ રેલવે સ્ટેશનનું નામ સચિન રાખવા પાછળના કારણ વિશે તો એ બાબતે ફેક્ટ ચેક કરતાં જાણવા મળ્યું હતું કે સુરત નજીક આવેલા આ રેલવે સ્ટેશનનું નામ ભલે સચિન છે. પરંતુ આ નામ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરના નામ પરથી નથી રાખવામાં આવ્યું, કારણ કે સચિનના જન્મ પહેલાંથી જ આ રેલવે સ્ટેશન અહીં છે.
કોહલી રેલવે સ્ટેશન, નામ તો સુના હી નહીં હોગા…
જોકે, આ એક માત્ર એવું રેલવે સ્ટેશન નથી કે જે ભારતીય ક્રિકેટરના નામ પરથી રાખવામાં આવ્યું હોય. તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે મહારાષ્ટ્રના નાગપુર નજીક આવેલા એક રેલવે સ્ટેશનનું નામ કોહલી છે અને આ નામ પણ ટીમ ઈન્ડિયાના સ્ટાર પ્લેયર વિરાટ કોહલીના નામ પરથી નથી આપવામાં આવ્યું એ માત્ર તમારી જાણ ખાતર…