બેન સ્ટૉક્સે રૂટને આપેલું કયું વચન પાળ્યું?
વિશાખાપટ્ટનમ: રાઇટ-આર્મ ઑફબ્રેક અને લેગબ્રેક સ્પેશિયાલિસ્ટ જો રૂટે ત્રણ વર્ષ પહેલાં અમદાવાદમાં સિરીઝની ત્રીજી ટેસ્ટમાં ફક્ત આઠ રનમાં ભારતની પાંચ વિકેટ લીધી એ બોલિંગમાં તેનો બેસ્ટ પર્ફોર્મન્સ છે. તે ખાસ તો બૅટર છે, પરંતુ 136માંથી મોટા ભાગની ટેસ્ટમાં બોલિંગ કરી ચૂક્યો છે એમ છતાં ઇંગ્લૅન્ડના રેગ્યુલર બોલર નથી બની શક્યો. જોકે 136 ટેસ્ટમાં કુલ 65 વિકેટ લઈ ચૂકેલા રૂટને ભારતના આ વખતના પ્રવાસ પહેલાં કૅપ્ટન બેન સ્ટૉક્સ તરફથી એક પ્રોમિસ મળ્યું હતું જે સ્ટૉક્સે પાળ્યું છે.
સ્ટૉક્સે તેને કહ્યું હતું કે ‘તું ટીમનો મુખ્ય બૅટર તો છે જ, પણ તારામાં બોલર તરીકેની જે ક્ષમતા અને કાબેલિયત છે એ હું બહાર લાવીને રહીશ.’
સ્ટૉક્સે ગયા અઠવાડિયે હૈદરાબાદમાં ભારત સામેની શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં મુખ્ય સ્પિનર અને ઈજાગ્રસ્ત જૅક લીચની ગેરહાજરીમાં રૂટને ઘણી ઓવર આપી હતી. રૂટે મૅચમાં કુલ પાંચ વિકેટ લઈને સ્ટૉક્સની અપેક્ષા યોગ્ય ઠરાવી હતી. તેણે પહેલા દાવમાં ચાર વિકેટ લીધી હતી અને બીજા દાવમાં ચોથા નંબરનો કેએલ રાહુલ 90 મિનિટ સુધી ક્રીઝ પર ઊભા રહીને બાવીસ રન પર હતો ત્યારે રૂટે તેને એલબીડબ્લ્યૂ કરીને ભારતની વિજયકૂચને બ્રેક મારી હતી. સ્ટૉક્સે રૂટને કુલ 48 ઓવર આપી હતી.
સ્ટૉક્સે શુક્રવારે શરૂ થઈ રહેલી બીજી ટેસ્ટ પહેલાંની પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું, ‘હું રૂટને હંમેશાં કહેતો હતો કે તું કૅપ્ટન હતો ત્યારે તે પોતે બહુ ઓછી બોલિંગ કરી હતી. મેં રૂટને વચન આપ્યું હતું કે તારામાં બોલર તરીકેની કાબેલિયત હું બહાર લાવીને રહીશ.’