આઇપીએલના માહોલમાં આજે વળી કઈ ઇન્ટરનૅશનલ સિરીઝ શરૂ થઈ રહી છે?

રાવલપિંડી: ક્રિકેટમાં અત્યારે આઇપીએલનું વર્ચસ્વ છે. દર વર્ષે એપ્રિલ-મેમાં આ ભારતીય લીગ ટૂર્નામેન્ટ ચાલી રહી હોય એ દરમ્યાન ભાગ્યે જ કોઈ વન-ટૂ-વન સિરીઝ રમાતી હોય છે. એવી જ એક શ્રેણી આજે પાકિસ્તાનમાં શરૂ થઈ રહી છે.
2008માં પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ મુંબઈ પર જે હુમલો કર્યો એના વિશ્ર્વભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા અને પછી 2009માં પાકિસ્તાનમાં શ્રીલંકન ક્રિકેટ ટીમ પર જે ટેરરિસ્ટ અટૅક થયો એ પછી ક્રિકેટમાં પાકિસ્તાનની એવી બૂરી હાલત થઈ કે વર્ષો સુધી ત્યાં કોઈ દેશ પોતાની ટીમને રમવા નહોતી મોકલતી. ભારતની આઇપીએલમાં ત્યારથી એકેય પાકિસ્તાનને રમવા નથી મળ્યું.
આ પણ વાંચો: Dhoniની એન્ટ્રી પર સ્ટેડિયમમાં હાજર લોકોની સ્માર્ટ ફોન પર આવ્યો Alertનો મેસેજ…
જોકે આઇપીએલની બહારના નિસ્તેજ માહોલમાં આજે રાવલપિંડીમાં પાકિસ્તાન અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે ટી-20 સિરીઝ શરૂ થઈ રહી છે. પ્રથમ ટી-20 (સાંજે 7.30 વાગ્યાથી) માટે બન્ને ટીમે જોરદાર પ્રૅક્ટિસ કરી છે. બાબર આઝમ પાકિસ્તાનનો અને માઇકલ બ્રેસવેલ ન્યૂ ઝીલૅન્ડનો કૅપ્ટન છે. ટીમના બીજા જાણીતા કિવી પ્લેયરોમાં માર્ક ચૅપમૅન, ટૉમ બ્લન્ડેલ (વિકેટકીપર), ટિમ સીફર્ટ (વિકેટકીપર), ફિન એલન, જેમ્સ નીશૅમ, ઇશ સોઢી, બેન સીયર્સ, ઍડમ મિલ્ન અને ટિમ રૉબિન્સનનો સમાવેશ છે.
પાકિસ્તાન પાસે ફખર ઝમાન, ઇફ્તિખાર અહમદ, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), આઝમ ખાન (વિકેટકીપર), ઇમાદ વસીમ, શાદાબ ખાન, મોહમ્મદ આમિર, નસીમ શાહ તેમ જ શાહીન શાહ આફ્રિદી, અબ્રાર અહમદ વગેરે ખેલાડીઓ છે.
પાંચ ટી-20ની આ સિરીઝ 27મી એપ્રિલે પૂરી થશે.