કોહલીએ કયું ઇન્જેક્શન લીધું છે જેને લીધે સૌરાષ્ટ્ર સામેની રણજી મૅચમાં નથી રમવાનો?
આ દિગ્ગજ ક્રિકેટર માટે ‘બાર વર્ષે બાવો બોલ્યો' એવું કેમ કહેવાય છે?

નવી દિલ્હી: માત્ર ભારતનો જ નહીં, વર્તમાન ક્રિકેટ જગતનો એક સમયનો નંબર-વન બૅટર વિરાટ કોહલી અનેક સૂચનો અને અસંખ્ય ટીકા ટિપ્પણીઓનો વરસાદ થયા બાદ ડોમેસ્ટિક ક્રિકેટમાં (રણજી ટ્રોફી મૅચમાં) રમવા તૈયાર તો થયો છે, પરંતુ તેણે એક શરત સાથે રણજી ટ્રોફીમાં લાંબા સમય બાદ (બાર વર્ષે) કમબૅક કરવાની તૈયારી બતાવી છે.
રણજી ટ્રોફીનો નવો રાઉન્ડ ગુરુવાર 23મી જાન્યુઆરીએ શરૂ થઈ રહ્યો છે અને એ દિવસથી દિલ્હીની પહેલી ચાર દિવસીય મૅચ સૌરાષ્ટ્ર સામે રમાવાની છે. જોકે કોહલીએ બીસીસીઆઈને કહ્યું છે કે તે 23મી જાન્યુઆરીએ શરૂ થનારી મૅચથી નહીં, પણ 30મી જાન્યુઆરીથી રેલવે સામે શરૂ થનારી મૅચથી રણજીમાં ફરી રમવાનું શરૂ કરશે.
ગુરુવારે શરૂ થનારી મૅચમાં રિષભ પંત દિલ્હી વતી રમવાનો છે, જયારે રવીન્દ્ર જાડેજા સૌરાષ્ટ્ર વતી રમશે. જોકે કોહલીએ બીસીસીઆઈના મેડિકલ વિભાગને એવું કારણ આપ્યું છે કે આ મહિનાની શરૂઆતમાં ઑસ્ટ્રેલિયા સામે પૂરી થયેલી ટેસ્ટ સિરીઝ પછી તેની ગરદનમાં જે અસહ્ય દુખાવો શરૂ થયો હતો એના ઈલાજ માટે તેણે એક ઇન્જેક્શન લીધું હતું અને ગરદનનો દુખાવો હજી દૂર નથી થયો.
આ પણ વાંચો…ગૌતમ ગંભીરના સમર્થનમાં આવ્યો મેક્કુલમઃ કહ્યુ તે એક મજબૂત લીડર અને..
કોહલી 30મી જાન્યુઆરીથી રેલવે સામેની રણજી મૅચમાં રમશે એટલે રણજી ટ્રોફી ટૂર્નામેન્ટમાં તેના માટે ‘બાર વર્ષે બાવો બોલ્યો’ એવું કહેવામાં આવી રહ્યું છે. છેલ્લે તે 2012ની સાલમાં ગાઝિયાબાદમાં ઉત્તર પ્રદેશ વિરુદ્ધ રણજી મૅચમાં રમ્યો હતો.
ગુરુવારે શરૂ થતા રણજી ટ્રોફીના નવા રાઉન્ડમાં રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ મુંબઈ વતી રમવાના છે, જ્યારે શુભમન ગિલ પંજાબ વતી રમતો જોવા મળશે.