ઇન્સ્ટાગ્રામ પર કયા ક્રિકેટર સૌથી વધુ ફૉલો થઈ રહ્યા છે જાણો છો?

નવી દિલ્હીઃ આઇપીએલની 18મી સીઝન ચાલે છે, પ્લે-ઑફ માટેની રસાકસી વધી રહી છે, ભારતના મોટા ભાગના ખેલાડીઓ આ ટૂર્નામેન્ટમાં રમી રહ્યા છે એવામાં સોશિયલ મીડિયામાં પણ આ ખેલાડીઓ ચમકી રહ્યા છે એનો એક મોટો પુરાવો આપણે આજે જોઈ લઈએ. ભારતના સાત ક્રિકેટર એવા છે જેમને ઇન્સ્ટાગ્રામ (INSTAGRAM) પર સૌથી વધુ ફૉલો કરવામાં આવી રહ્યા છે. તમે નહીં માનો, પણ એમાં કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓનો પણ સમાવેશ છે. ઉલ્લેખનીય છે કે મહેન્દ્રસિંહ ધોની સોશિયલ મીડિયામાં જરાય સક્રિય નથી.
આપણે જે સાત ખેલાડીઓની વાત કરીશું તેમના મેદાન પરના પર્ફોર્મન્સ ઉપરાંત તેમની પર્સનલ અને પ્રૉફેશનલ લાઇફ પર પણ ચાહકોની બાજનજર રહેતી હોય છે. …તો ચાલો, આપણે જાણીએ એ સાત ભારતીય ક્રિકેટર (SEVEN CRICKETERS) કોણ છે?

(1) વિરાટ કોહલીઃ 270.3 મિલિયન ફૉલોઅર્સ સાથે કિંગ કોહલી મોખરે છે. ભારતનો અને રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુનો આ ભૂતપૂર્વ કૅપ્ટન સોશિયલ મીડિયાનો પણ બાદશાહ છે. ક્રિકેટપ્રેમીઓ તેના મૅચ-વિનિંગ પર્ફોર્મન્સીઝ ઉપરાંત તેની ફિટનેસ પર ફિદા છે. મેદાન પરની તેની સ્ટાઇલથી પણ લોકો પ્રભાવિત થયા છે. ઍક્ટ્રેસ-પત્ની અનુષ્કા શર્મા સાથેના તેના ફની વીડિયો અને પરિવાર સાથેની મજેદાર પળોના વીડિયો તેના ફૅન્સને ખૂબ પસંદ છે.

(2) સચિન તેન્ડુલકરઃ ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા લિટલ ચૅમ્પિયનના 50.4 મિલિયન ફૉલોઅર્સ છે. તેની નિવૃત્તિને 12 વર્ષ થઈ ગયા છતાં તે હજી કરોડો લોકોમાં પ્રિય છે. તેન્ડ્લ્યાની પોસ્ટમાં મોટા ભાગે ઉત્સાહપ્રેરક સંદેશ અને જૂની વાતો તથા સામાજિક કાર્યો સાથે સંકળાયેલી વાતો હોય છે જે ચાહકો (Fans)સાથે શૅર કરતો હોય છે.

(3) રોહિત શર્માઃ હિટમૅન’ તરીકે પ્રખ્યાત આ ભારતીય કૅપ્ટનના 43.1 મિલિયન ફૉલોઅર્સ છે. તે ઇન્સ્ટાગ્રામ પર ખૂબ પૉપ્યુલર છે. તે શાંત સ્વભાવ, પરિવાર સાથે મસ્તી, ભૂલકણાંપણુ વગેરે બાબતો માટે તો ચાહકોમાં પ્રિય છે જ, ધીરગંભીર અભિગમ તેમ જ ધૈર્ય જાળવીને ચૂપકીદીથી બોલર્સની બોલિંગને ચીંથરેહાલ કરવાની તેની ખાસિયત પણ લોકોને બેહદ પ્રિય છે.

(4) સુરેશ રૈનાઃ મિ. આઇપીએલ’ તરીકે જાણીતા આ ભૂતપૂર્વ બૅટ્સમૅનનું ફૅન-ફૉલોઇંગ આજે પણ ઘણું મોટું છે. તેના 27.6 મિલિયન ફૉલોઅર્સ છે. સોશિયલ મીડિયામાં તે ફૅમિલી ટાઇમ, ફિટનેસ અને ક્યારે સંગીતનો શોખ શૅર કરે છે.

(5) કેએલ રાહુલઃ આ વિકેટકીપર-બૅટ્સમૅન અને ઍક્ટર સુનીલ શેટ્ટીના જમાઈ રાહુલના 22.1 મિલિયન ફૉલોઅર્સ છે. શાંત સ્વભાવ તેની સૌથી મોટી ખાસિયત છે. તે સ્ટાઇલિશ પર્સનાલિટી માટે જાણીતો છે તેમ જ બૉલીવૂડ-અભિનેત્રી આથિયા શેટ્ટીનો પતિ હોવા બદલ પણ ચર્ચામાં રહેતો હોય છે. ઇન્સ્ટાગ્રામ પર તેની પ્રોફેશનલ અને પર્સનલ, બન્ને લાઇફની ઝલક જોવા મળતી હોય છે.

(6) યુવરાજ સિંહઃ આ સિક્સર-કિંગના 20.6 ફૉલોઅર્સ છે. કૅન્સર સામેની લડાઈ જીતી જવા બદલ તે યુવા વર્ગમાં પ્રેરક બન્યો છે. ઇન્સ્ટાગ્રામ પર તે ઘણી વાર રસપ્રદ રીલ્સ અને ક્રિકેટની જૂની યાદોં શૅર કરતો હોય છે.

(7) શિખર ધવનઃ ` ગબ્બર’ તરીકે જાણીતા આ ભૂતપૂર્વ ઓપનિંગ બૅટ્સમૅનના 19.1 મિલિયન ફૉલોઅર્સ છે. તે મજાકિયા અંદાઝ અને ડાન્સિંગ વીડિયો માટે જાણીતો છે. તેની પોસ્ટમાં હંમેશાં સકારાત્મકતા અને મજાકમસ્તીની ઝલક જોવા મળતી હોય છે અને એટલે જ તે સતતપણે ચાહકો સાથે સંકળાયેલો રહે છે.