ભારત સામે અફઘાનિસ્તાનની કઈ ‘મોટી વિકેટ’ અત્યારથી જ પડી ગઈ?
ચંડીગઢ: 2024ની આઇપીએલ બહુ દૂર નથી એટલે મોટા ભાગના ખેલાડીઓ માર્ચ પહેલાં 100 ટકા ફિટ રહેવા માટે કંઈ પણ કરી છૂટતા હોય છે, પછી ભલે થોડી ઇન્ટરનૅશનલ મૅચ જતી કરવી પડે તો પણ વાંધો નહીં.
અફઘાનિસ્તાનના સ્પિનિંગ-ઑલરાઉન્ડર અને 2023માં આઇપીએલમાં 27 વિકેટ લેનાર રાશિદ ખાન પીઠના નીચલા ભાગમાં સર્જરી કરાવ્યા પછી હજી એ ઈજામાંથી પૂરેપૂરો સાજો નથી થયો એટલે ભારત સામે ગુરુવારે શરૂ થનારી ત્રણ મૅચની ટી-20 સિરીઝમાં નહીં રમે. આ ઇન્જરીને લીધે તે બિગ બૅશ લીગ અને સાઉથ આફ્રિકાની ટી-20 લીગમાંથી પણ નીકળી ગયો છે.
અફઘાનિસ્તાનના કૅપ્ટન ઇબ્રાહિમ ઝદ્રાને સમર્થન આપતા જણાવ્યું હતું કે રાશિદ ખાન ટીમ સાથે ચંડીગઢ પહોંચ્યો છે, પરંતુ હજી મૅચ-ફિટ નથી થયો. તેનું રિહૅબિલિટેશન ચાલુ જ છે. તેની ગેરહાજરી અમને ઘણી વર્તાશે, કારણકે તેનો અનુભવ હંમેશાં અમને બધાને ખૂબ કામ લાગતો હોય છે. જોકે ક્રિકેટમાં તો ક્યારેય પણ કોઈ પણ સ્થિતિ આવી શકે એટલે એનો સામનો કરવા માટે તૈયાર રહેવું જ પડે.’