ભારતીય ક્રિકેટરો ક્યારે ઑસ્ટ્રેલિયા જશે? રોહિત-વિરાટની ફ્લાઇટ ક્યાંથી ટેક-ઑફ કરશે? | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

ભારતીય ક્રિકેટરો ક્યારે ઑસ્ટ્રેલિયા જશે? રોહિત-વિરાટની ફ્લાઇટ ક્યાંથી ટેક-ઑફ કરશે?

નવી દિલ્હીઃ ઑસ્ટ્રેલિયામાં ભારતની ત્રણ મૅચની વન-ડે સિરીઝ 19મી ઑક્ટોબરે શરૂ થશે અને એ માટે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ એક જ દિવસે (15મી ઑક્ટોબરે) બે અલગ-અલગ જૂથમાં પર્થ (Perth) જવા રવાના થશે. હવે માત્ર વન-ડે (ODI)માં જ રમવાનું ચાલુ રાખનાર બે દિગ્ગજ ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલી 14મી અથવા 15મી ઑક્ટોબરે દિલ્હી (Delhi) પહોંચી જશે અને ત્યાંથી તેઓ અન્ય ખેલાડીઓ સાથે પર્થ જવા રવાના થશે.

દિલ્હીથી પર્થ જવા માટેની બિઝનેસ ક્લાસની ટિકિટો સરળતાથી ઉપલબ્ધ હોવાથી ખેલાડીઓને ત્યાંથી પર્થ જવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. ઑસ્ટ્રેલિયા (Australia)માં ભારતીય ક્રિકેટરો પહેલાં ત્રણ વન-ડે અને પછી પાંચ ટી-20 રમશે. જોકે રોહિત-વિરાટ માત્ર વન-ડેમાં જ રમશે. તેઓ ટેસ્ટ ઉપરાંત ટી-20માંથી નિવૃત્ત થઈ ચૂક્યા છે.

પીટીઆઇના અહેવાલ મુજબ બીસીસીઆઇની નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે 15મી ઑક્ટોબરે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓનું એક જૂથ સવારે અને બીજું જૂથ સાંજે દિલ્હીથી પર્થ જવા રવાના થશે.

રોહિત અને વિરાટની સાથે વાઇસ-કૅપ્ટન શ્રેયસ ઐયર પણ પર્થ જવા માટેની દિલ્હીની ફ્લાઇટમાં જોડાશે. 19મી ઑક્ટોબરે પ્રથમ વન-ડે પર્થમાં રમાવાની છે.

નવો વન-ડે સુકાની શુભમન ગિલ સહિત કેટલાક ખેલાડીઓ હાલમાં ભારતમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ-સિરીઝ રમી રહ્યા છે. ગિલ ટેસ્ટનો કૅપ્ટન પણ છે. ભારત સિરીઝમાં 1-0થી આગળ છે. સિરીઝની બીજી ટેસ્ટ શુક્રવાર, 10મી ઑક્ટોબરે શરૂ થશે અને સમયપત્રક મુજબ મંગળવાર, 14મી ઑક્ટોબરે પૂરી થશે. જો એ ટેસ્ટ વહેલી પૂરી થઈ જશે તો ઑસ્ટ્રેલિયાની વન-ડે ટૂર માટેના ખેલાડીઓ પોતાના ઘરે જવા માટે નાનો બે્રક લઈ શકશે અને ત્યાર બાદ પર્થ જવા 15મીએ દિલ્હીમાં એકમેકને મળશે.

આપણ વાંચો : વેસ્ટ ઇન્ડિઝનું ટેસ્ટ ક્રિકેટમાં પતન ` કૅન્સર’ જેવુંઃ ભૂતપૂર્વ કૅપ્ટન

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button