ગૌતમ ગંભીરે જયારે ગુસ્સામાં ટ્રક પર ચડીને ડ્રાઇવરનો કોલર ખેંચી લીધો!
નવી દિલ્હી: 2003-2016 દરમ્યાન આક્રમક મૂડમાં અનેક ઈનિંગ્સ રમીને ભારતને યાદગાર વિજય અપાવનાર ટીમ ઇન્ડિયાના વર્તમાન હેડ-કોચ ગૌતમ ગંભીર ગુસ્સે થાય તો પોતાને જે સાચું લાગે એ કરીને જ રહે એ માટે જાણીતા છે. થોડા વર્ષ પહેલાં તેમણે ઑફ ધ ફીલ્ડ એક બનાવમાં એક ટ્રક પર ચડીને ડ્રાઇવરનો કોલર ખેંચી લીધો હતો અને તેને કડક શબ્દોમાં ચેતવ્યો હતો.
ભારતના ભૂતપૂર્વ ઓપનિંગ બૅટર આકાશ ચોપડાએ તાજેતરમાં એક પૉડકાસ્ટમાં એ ઘટનાની વાત કરી હતી. રણજી ટ્રોફીમાં દિલ્હી વતી રમતી વખતે ઓપનિંગ સ્લૉટ માટે એક સમયે ગંભીર અને આકાશ વચ્ચે હરીફાઈ થતી હતી. જોકે બંને વચ્ચે મિત્રતા પણ રહી છે.
કૉમેન્ટેટર આકાશે મુલાકાતમાં ગંભીરના ક્રોધાવેશની એક ઘટના યાદ કરતાં કહ્યું કે ‘બધા જાણે છે કે ગૌતમ પોતાને ખરું લાગે એ કહીને જ અને કરીને જ રહે છે. એક દિવસ તેણે દિલ્હીમાં એક ટ્રક ડ્રાઇવર સાથે પંગો લીધો હતો.’
ગૌતમ ગંભીરને મિત્રો ‘ગૉટી’ કહીને બોલાવે છે. આકાશ ચોપડાએ એ ઘટનાની વાત આગળ વધારતાં કહ્યું કે ‘ ટ્રક ડ્રાઇવર ખોટો વળાંક લઈને અમારી કારની સામે આવી ગયો અને અમારી સામે જોઈને ગાળમગાળ કરવા લાગ્યો હતો. ગૌતમનો પિત્તો ગયો. ગુસ્સામાં ગૌતમ કારમાંથી ઊતર્યો. મેં તેને કહ્યું કે અરે, ગૉટી આ શું કરે છે?
એ ભાઈસાહેબ તો સીધો ટ્રક પર ચડી ગયો અને ટ્રક ડ્રાઇવરનો કોલર જ પકડીને તેને ચેતવી દીધો કે બીજી વાર આવું ક્યારેય નહીં કરતો, સમજ્યો.’
આકાશે પૉડકાસ્ટમાં કહ્યું કે ‘બધાને ખબર છે કે ગૌતમ આવા આક્રમક મિજાજ માટે જાણીતો છે.’
ભૂતકાળમાં ગૌતમ અને બીજો આક્રમક ક્રિકેટર વિરાટ કોહલી મેદાન પર સામસામે આવી ગયેલા જોવા મળ્યા હતા. જોકે થોડા સમય પહેલાં જ બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ અને એ વિશે સોશિયલ મીડિયામાં ક્રિકેટચાહકોએ આનંદ વ્યક્ત કર્યો હતો. ગૌત્તમ હવે ટીમ ઇન્ડિયાના હેડ-કોચ છે અને વિરાટ કોહલી ટીમનો સિનિયર ખેલાડી છે.
Also Read –