શું વાત છે, બિલ ગેટ્સનો જમાઈ પૅરિસ ઑલિમ્પિક્સમાં ભાગ લેવાનો છે!
પૅરિસ: બિલ્યનેર બિલ ગેટ્સનો જમાઈ નાયેલ નાસર પૅરિસ ઑલિમ્પિક્સની ઘોડેસવારીની જમ્પિંગની ઇવેન્ટમાં ભાગ લેવાની તૈયારીમાં વ્યસ્ત છે.
નાસર ઇજિપ્ત વતી ભાગ લેશે. તેની આ ત્રીજી ઑલિમ્પિક ગેમ્સ છે.
નાસરે માઇક્રોસૉફ્ટના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યૂટિવ ઑફિસર (સીઇઓ) બિલ ગેટ્સની સૌથી મોટી દીકરી જેનિફર સાથે 2021માં લગ્ન કર્યા હતા.
થોડા વર્ષ પહેલાં નાસર ઘોડેસવારીની સર્કિટ પર જ જેનિફરને પહેલી વાર મળ્યો હતો અને બન્નેએ 2017માં ડેટિંગ શરૂ કર્યું હતું. 2021માં તેમણે મૅરેજ કર્યા હતા અને 2023માં જેનિફરે બાળકીને જન્મ આપ્યો હતો. તેમણે તાજેતરમાં જ જાહેર કર્યું હતું કે ટૂંક સમયમાં તેમને ત્યાં બીજું બાળક અવતરશે.
નાસર ઇજિપ્ત-અમેરિકન પ્રોફેશનલ ઍથ્લીટ છે. તે પાંચ વર્ષનો હતો ત્યારે તેણે ઇક્વેસ્ટ્રિયન (ઘોડેસવારી)ની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું. તે ઇક્વેસ્ટ્રિયન શો જમ્પિંગની વર્લ્ડ કપની હરીફાઈ સહિત ઘણી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લઈ ચૂક્યો છે.
33 વર્ષનો નાસર 2021ની ટોક્યો ઑલિમ્પિક્સમાં ટીમ ઇવેન્ટમાં 21મા સ્થાને અને વ્યક્તિગત ઇવેન્ટમાં 24મા સ્થાને રહ્યો હતો.
બિલ ગેટ્સના પત્ની મેલિન્ડા ગેટ્સે જમાઈને પૅરિસ ઑલિમ્પિક્સની હરીફાઈ પહેલાં શુભેચ્છા મોકલી છે અને તેને સંદેશામાં જણાવ્યું છે કે ‘હું તમારા પૅરિસ ઑલિમ્પિકસનો પર્ફોર્મન્સ જોવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છું. ઑલ ધ બેસ્ટ.’