રવિ શાસ્ત્રીએ પૂજારાની તરફેણ કરીને ગિલને ઇશારામાં શું ચેતવણી આપી દીધી?
વિશાખાપટ્ટનમ: Shubhman Gillની 12 મહિના પહેલાં બોલબાલા હતી અને અત્યારે તે જાણે ટીમ માટે બોજ બની ગયો છે. ગયા વર્ષે આ જ અરસામાં ગિલને કોઈ પણ હરીફ દેશની ટીમ અટકાવી નહોતી શકતી. ભારત સામે મેદાન પર ઉતરનાર દરેક ટીમ સામે ગિલ ‘રોક સકો તો રોકો’ જેવા પડકાર સાથે અડીખમ ઊભો રહેતો હતો. શ્રીલંકા અને ન્યૂ ઝીલૅન્ડ સામે તો જાણે તે મોજ ખાતર સેન્ચુરી ફટકારતો હતો.
આઇપીએલમાં ગુજરાત ટાઇટન્સને તો તેણે બે ટ્રોફી (એક ચૅમ્પિયનપદ અને બીજું રનર-અપ) અપાવી જ હતી, ટેસ્ટની પ્રથમ સદી ઑસ્ટ્રેલિયા સામે ફટકારી હતી. કોઈ તેને ‘પ્રિન્સ’ કહેતું કોઈના માટે તે ક્રિકેટના મેદાન પર વિરાટ કોહલીનો વારસદાર હતો.
જોકે અત્યારે ગિલ માટે ‘વો ભી ક્યા દિન થે…’ જેવી હાલત છે. છેલ્લી 10 ઇનિંગ્સમાં તેની એકેય હાફ સેન્ચુરી નથી. ઇંગ્લૅન્ડ સામેની બીજી ટેસ્ટમાં પહેલા દિવસે તેણે 46 બૉલમાં પાંચ સિક્સરની મદદથી 34 રન બનાવ્યા હતા. ટૂંકી ઇનિંગ્સમાં કેટલાક શૉટ તેણે બહુ સારા ટાઇમિંગ સાથે ફટકાર્યા હતા, પણ ફરી એકવાર તેણે વિકેટ ફેંકી દીધી. પાંચમી વાર તે પીઢ પેસ બોલર જેમ્સ ઍન્ડરસનના બૉલમાં વિકેટ આપી બેઠો હતો. તેના બૅટની એજ લાગ્યા બાદ બૉલ સીધો વિકેટકીપર બેન ફૉક્સના હાથમાં ગયો હતો.
વર્લ્ડ કપ દરમ્યાન ડેન્ગી થયા ગિલ બૅટિંગમાં અસલ ટચ નથી બતાવી શક્યો. વનડાઉનમાં ગિલ વધુને વધુ નબળી ઇનિંગ્સ રમતો રહેશે તો સ્પેશિયાલિસ્ટ ચેતેશ્ર્વર પૂજારાને તેનું સ્થાન આંચકી લેતા સમય નહીં લાગે. ભૂતપૂર્વ કૅપ્ટન રવિ શાસ્ત્રીએ કૉમેન્ટરી દરમ્યાન ગિલનું નામ લીધા વગર તેને સંકેત આપી દીધો હતો કે તે આમ જ ખરાબ રમતો રહેશે તો પૂજારા કમબૅક કરી લેશે. શાસ્ત્રી કૉમેન્ટરી દરમ્યાન બોલ્યા, ‘હાલમાં ભારતની ટીમ યંગ છે, પરંતુ યુવાનિયાઓએ પોતાની કાબેલિયત પુરવાર તો કરવી જ પડશે. કોઈ ભૂલશે નહીં કે પૂજારા કમબૅકની રાહ જોઈ જ રહ્યો છે. પૂજારા રણજી ટ્રોફીમાં રનનો ખડકલો કરી જ રહ્યો છે અને તે સિલેક્ટરોની નજરમાં છે જ.’
પૂજારા ભારત વતી છેલ્લે જૂન, 2023માં ઑસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં રમ્યો હતો.