‘સમજીવિચારીને કરો તકલીફોની પસંદગી’: ડિવોર્સની અફવાઓ વચ્ચે સાનિયા મિર્ઝાએ આ શું લખ્યું?

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાનની ટીમના ખેલાડી શોએબ મલિક વચ્ચે ડિવોર્સની અફવાઓ ઘણા સમયથી ચાલી રહી છે, તેવામાં સાનિયા મિર્ઝાએ ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે, જેમાં તેણે લોકોને ‘બુદ્ધિપૂર્વક તકલીફોની પસંદગી’ કરવાની સલાહ આપી છે.
સાનિયાએ લખ્યું છે કે “જીવન ક્યારેય સરળ નહિ હોય. આપણને હંમેશા સંઘર્ષ મળતા રહેશે, જો કે આપણે આપણા સંઘર્ષની પસંદગી સમજીવિચારીને કરવાની છે.”

પોસ્ટની શરૂઆતમાં લખાણ છે કે, “લગ્ન તકલીફદાયક હોય છે, છૂટાછેડા તકલીફદાયક હોય છે. મેદસ્વીપણું તકલીફદાયક હોય છે. સતત સ્વસ્થતા જાળવી રાખવી એ પણ તકલીફદાયક હોય છે. વાર્તાલાપ કરવો એ તકલીફદાયક હોય છે. વાર્તાલાપ ન કરવો એ પણ તકલીફદાયક હોય છે. જીંદગી ક્યારેય સરળ નથી રહેવાની. એ હંમેશા તકલીફદાયક જ રહેવાની છે. પણ આપણે આપણી તકલીફોની પસંદગી કરી શકીએ છીએ. આપણે કઇ તકલીફનો સામનો કરવાનો છે, આપણે ક્યાં મહેનત કરવાની છે તે આપણે પસંદ કરી શકીએ છીએ, બુદ્ધિપૂર્વક સમજીવિચારીને આપણે તેની પસંદગી કરવી જોઇએ.

સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના લગ્ન વર્ષ 2010માં હૈદરાબાદમાં થયા હતા. 2018માં બંને એક પુત્રના માતાપિતા બન્યા હતા જેનું નામ તેમણે ઇઝહાન રાખ્યું છે. શોએબ મલિકના પાકિસ્તાની ફિલ્મ અભિનેત્રી સાથેના ફોટો વાઇરલ થયા બાદ વર્ષ 2022માં બંનેના છુટાછેડાની અટકળો તેજ બની હતી. જો કે બંનેએ હજુસુધી ડિવોર્સની સત્તાવાર જાહેરાત કરી નથી. તેમણે સોશિયલ મીડિયા પર એકબીજાની વિશેની વિગતો પણ હટાવી લીધી છે.