સૂર્યકુમારને સર્જરી બાદ બેડ પર આઇસીસીના બીજા કયા ગુડ ન્યૂઝ મળ્યા?
મુંબઈ: ટી-20ના વર્લ્ડ નંબર-વન બૅટર સૂર્યકુમાર યાદવને ત્રણ દિવસમાં આઇસીસી તરફથી બે મોટા સારા સમાચાર મળ્યા. છ દિવસ પહેલાં જર્મનીમાં સાથળમાં સર્જરી કરાવ્યા પછી ફક્ત 20 મિનિટ બાદ આઇપૅડ પર રોહિત શર્માની અફઘાનિસ્તાન સામેની અણનમ 121 રનની ધમાકેદાર અને વિક્રમજનક ઇનિંગ્સ માણીને જર્મનીથી જ આડકતરી રીતે ટીમ ઇન્ડિયાના સાથીઓ અને કરોડો ચાહકો સાથે કનેક્ટ રહેનાર સૂર્યકુમારને સોમવારે આઇસીસીએ પોતાની ‘ટીમ ઑફ ધ યર-2023’નો કૅપ્ટન બનાવ્યો હતો.
બુધવારે આઇસીસીએ તેને 2023ના વર્ષનો ‘ટી-20 પ્લેયર ઑફ ધ યર’નો અવૉર્ડ-વિજેતા જાહેર કરીને તેની હમણાં અટકી પડેલી કરીઅરને ચાર ચાંદ લગાવી દીધા. સૂર્યકુમાર સતત બીજા વર્ષે આ અવૉર્ડ જીત્યો છે.
2023ના વર્ષમાં જેણે (મુખ્ય ક્રિકેટ-રાષ્ટ્રોના બૅટર્સમાં) સૌથી વધુ 733 રન બનાવ્યા હોય, જેની બૅટિંગ-ઍવરેજ 50.00 આસપાસની હોય અને જેનો સ્ટ્રાઇક-રેટ (100 બૉલ દીઠ બનાવેલા રન) 155.95 જેટલો તોતિંગ હોય તેને વર્ષનો સર્વોચ્ચ પુરસ્કાર ન મળે તો જ નવાઈ લાગે.
બાકી, સૂર્યકુમાર યાદવ બધી રીતે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે સર્વોત્તમ દાવેદાર હતો એટલે જ આઇસીસીએ ઝિમ્બાબ્વેના સિકંદર રઝા, યુગાન્ડાના કચ્છી ક્રિકેટર અલ્પેશ રામજિયાણી અને ન્યૂ ઝીલૅન્ડના માર્ક ચૅપમૅનને બાજુ પર રાખીને સૂર્યકુમાર પર કળશ ઢોળ્યો છે.
સૂર્યકુમારે 2023ના વર્ષની શરૂઆત શ્રીલંકા સામેના ફક્ત 7 રનથી કરી હતી, પરંતુ પછીની બે મૅચમાં 36 બૉલમાં 51 રન અને 51 બૉલમાં અણનમ 112 રન બનાવીને અસલી પરચો બતાવી દીધો હતો. ત્યાર પછી આ મિડલ-ઑર્ડર બૅટર ક્રીઝ પર વધુને વધુ મજબૂત બનતો ગયો અને વર્ષના અંત સુધીમાં બે સેન્ચુરી અને પાંચ હાફ સેન્ચુરીની મદદથી સાડાસાતસો જેટલા રન ખડકી દીધા. વર્ષ દરમ્યાન તે કેટલીક ઇનિંગ્સમાં ફ્લૉપ પણ ગયો, પરંતુ તેણે 150-પ્લસનો સ્ટ્રાઇક-રેટ જાળવી રાખ્યો હતો.
ન્યૂ ઝીલૅન્ડનો ભારતીય મૂળનો ઑલરાઉન્ડર રાચિન રવીન્દ્ર ‘મેન્સ ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ યર’ અવૉર્ડ જીત્યો છે. ભારતમાં રમાયેલા વન-ડે વર્લ્ડ કપમાં તેના 578 રન કોહલી (765), રોહિત (597) અને ડિકૉક (594) પછી ચોથા નંબરે હતા. તેણે આઠ જ મહિનાની વન-ડે કરીઅરમાં (પચીસ વન-ડેમાં) 820 રન બનાવ્યા છે તેમ જ 18 વિકેટ પણ લીધી છે.
મહિલાઓમાં ‘ટી-20 ક્રિકેટર ઑફ ધ યર’નો અવૉર્ડ વેસ્ટ ઇન્ડિઝની હૅલી મૅથ્યૂઝને અપાયો છે. તેણે 2023ની સાલમાં ફક્ત 14 ઇનિંગ્સમાં હાઇએસ્ટ 700 રન બનાવીને સાઉથ આફ્રિકાની લૉરા વૉલ્વાર્ટ (586 રન), શ્રીલંકાની ચમારી અથાપથ્થુ (470), ન્યૂ ઝીલૅન્ડની સુઝી બેટ્સ (435) તેમ જ ભારતની સ્મૃતિ મંધાના (433)ને સહિત તમામ બૅટર્સને ઝાંખી પાડી દીધી હતી.