
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપની ફાઇનલ મેચ આવતીકાલે એટલે કે 19મી નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ જોવા માટે દેશ-વિદેશથી ક્રિકેટ પ્રેમીઓ ઉમટી રહ્યા છે. આ વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ક્રિકેટરોએ પોતાના શાનદાર પ્રદર્શનને કારણે વાહવાહી મેળવી છે. દરમિયાન ભારતીય ક્રિકેટરોએ તેમના કાંડા પર પહેરેલા ડિવાઈસ અંગે ચર્ચા થઇ રહી છે. કોહલી, સિરાજ, શ્રેયસ અય્યર અને અન્ય ભારતીય ખેલાડીઓના હાથમાં ડિવાઈસ પહેરીને મેદાનમાં ઉતાર્યા હતા.
ક્રિકેટરોના કાંડા પર બાંધેલું આ ડિવાઈસ ફિટનેસ બેન્ડ છે જે Whoop કંપનીનું છે. Whoop એક સ્ટાર્ટઅપ કંપની છે. ICCએ ખેલાડીઓ માટે તમામ પ્રકારના કોમ્યુનિકેશન ડિવાઇસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. એટલે કે ગ્રાઉન્ડ પર મેચ દરમિયાન ખેલાડીઓ સ્માર્ટવોચ વગેરે જેવી કોઈ પણ વસ્તુ પહેરી શકતા નથી. આ ફિટનેસ બેન્ડમાં કોઈ સ્ક્રીન નથી, તેથી ખેલાડીઓ તેની મદદથી કોઈ પણ કમ્યુનિકેશન કરી શકતા નથી.
ફિટનેસ બેન્ડનો મોબાઈલ એપ પર મળે છે અને એપ દ્વારા જ ઓપરેટ થાય છે. ફિટનેસ બેન્ડ એપ દ્વારા સ્લીપ સાયકલ, સ્ટ્રેસ, બોડી રિકવરી, હાર્ટ રેટ વગેરે જેવી તમામ પ્રકારની માહિતી આપે છે. આ ફિટનેસ બેન્ડનો ડેટા 99% સચોટ હોવાનો દાવો કરવામાં આવે છે.
આ ફિટનેસ બેન્ડની ખાસ વાત એ છે કે તેને ચાર્જ કરવા માટે તેને હાથમાંથી ઉતારવાની જરૂર નથી. આ બેન્ડ સાથે એક બેટરી પેક આપવામાં આવે છે જે બેન્ડ પર જોડવાનું હોય છે. આ ફિટનેસ બેન્ડમાં ChatGPT પણ સપોર્ટેડ છે જે તમને સ્વાસ્થ્ય સંબંધિત માહિતી મેળવવામાં મદદ કરે છે.
હાલમાં આ ફિટનેસ બેન્ડ ભારતમાં ઉપલબ્ધ નથી. વિદેશમાં 12 મહિનાના સબસ્ક્રિપ્શન સાથે તેની કિંમત $239 એટલે કે 19,906 રૂપિયા છે.