મેચ જિત્યા બાદ દિલ્હીમાં આ શું કરી રહ્યા છે ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ?
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના નાયબ વડા પ્રધાન અને સંરક્ષણ ખાતાના પ્રધાન રિચર્ડ માર્લ્સ સોમવારે દિલ્હી પહોંચ્યા હતા અને તેમણે અહીં એક સ્ટોલ પરથી લીંબુ પાણી પીધા બાદ યુપીઆઈથી પેમેન્ટ કર્યું હતું. સોશિયલ મીડિયા પર આ ઘટનાના ફોટા વાઈરલ થઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે યુપીઆઈ ભારત દ્વારા ઊભી કરવામાં આવેલી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ છે, જેને સરકાર ગ્લોબલ લેવલ પર ઉપયોગ થાય એ માટે પ્રોત્સાહન આપી રહી છે.
ઓસ્ટ્રેલિયાના નાયબ વડા પ્રધાન માર્લ્સે દિલ્હીના રસ્તા પર લીંબુ પાણી પીવાની સાથે સાથે એક બીજા સ્ટોલ પરથી રામ લાડુનો સ્વાદ પણ ચાખ્યો હતો. અહીંયા તમારી જાણ માટે કે આ પહેલાં રિચર્ડ માર્લ્સે યુવાન ક્રિકેટ ખેલાડીઓ સાથે સોમવારે વાત-ચીત કરી હતી અને દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ પરિસરમાં ગલી ક્રિકેટનો આનંદ પણ ઉઠાવ્યો હતો. સ્ટેડિયમ પરિસરમાં માર્લ્સ સાથે 14થી 18 વર્ષના ખેલાડીઓ હતા. ઓસ્ટ્રેલિયન નેતાએ અરુણ જેટલી સ્ટેડિયમમાં ભૂતપૂર્વ કેન્દ્રિય પ્રધાન અરુણ જેટલીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
આ ઉપરાંત આજે તેમણે ઓસ્ટ્રેલિયન વિદેશ ખાતાના પ્રધાન પેની વોંગ સાથે દિલ્હીમાં નેશનલ વોર મેમોરિયલની મુલાકાત પણ લીધી હતી અને પુષ્પાંજલિ આપી હતી. બંને ઓસ્ટ્રેલિયન નેતાઓએ સોમવારની સાંજે પોતાના ભારતીય સમકક્ષો, ભારતના વિદેશ ખાતાના પ્રધાન એસ. જયશંકર અને સંરક્ષણ ખાતાના પ્રધાન રાજનાથ સિંહ સાથે ભારત ઓસ્ટ્રેલિયા 2+2 બેઠકની સહઅધ્યક્ષતા પણ કરી હતી.