વેસ્ટ ઈન્ડિઝનું મોટું પતન: જુઓ, ક્યા નાનકડા દેશ સામે કૅરિબિયનો હારી ગયા!

શારજાહ: અહીં નેપાળ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટી-20 સિરીઝ શરૂ થઈ છે જેમાં શનિવારે પ્રથમ મૅચમાં નેપાળે (Nepal) બે વખત ટી-20માં વર્લ્ડ ચેમ્પિયન બની ચૂકેલા વેસ્ટ ઇન્ડીઝ (West Indies)ને 19 રનથી હરાવીને સનસનાટી મચાવી દીધી હતી. ક્રિકેટના મોટા દેશોમાંથી કોઈ એક દેશ સામે નેપાળે વિજય મેળવ્યો હોય એવું પહેલી જ વખત બન્યું છે. નેપાળે નવો ઇતિહાસ રચ્યો છે.

નેપાળે પહેલા બૅટિંગ કરવાનું આમંત્રણ મળ્યા પછી 20 ઓવરમાં આઠ વિકેટે 148 રન કર્યા હતા જેમાં સુકાની રોહિત પૉડેલના 38 રન હાઈએસ્ટ હતા. તેણે એક સિકસર અને ત્રણ ફોર ફટકારી હતી. કુશાલ મલ્લાએ બે સિક્સર અને બે ફોરની મદદથી ૩૦ રન કર્યા હતા, જ્યારે ગુલશન ઝાએ બે સિક્સરની મદદથી બનેલા 22 રનનું યોગદાન ટીમને આપ્યું હતું.
વેસ્ટ ઈન્ડિઝના બોલર્સમાં કેટલાક જાણીતા ચહેરા હતા એમ છતાં નેપાળની ટીમ પોતાનો સ્કોર 150ની નજીક (8/148) પહોંચાડવામાં સફળ થઈ હતી. કૅરિબિયન બોલર્સમાં જેસન હોલ્ડર, અકીલ હોસૈન, ફેબિયન એલન તથા બીજા ત્રણ બોલરનો સમાવેશ હતો. આ બધામાંથી હોલ્ડરે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.

વેસ્ટ ઇન્ડીઝની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે માત્ર 129 રન કરી શકી હતી. એમાં નવીન બિડાઈસીના 22 રન હાઈએસ્ટ હતા. કાઈલ માયર્સ અને જેસન હોલ્ડર સહિતના બૅટ્સમેનોમાંથી એકેય જણ 20 રન સુધી પણ નહોતું પહોંચી શક્યું.
નેપાળના સ્પિનર કુશાલ ભુર્ટેલે સૌથી વધુ બે વિકેટ લીધી હતી અને બીજા પાંચ બોલરને એક-એક વિકેટ મળી હતી. બે કૅરિબિયન બૅટ્સમેન રનઆઉટ થયા હતા.
નેપાળના કેપ્ટન રોહિત પૉડેલે (Rohit Paudel) 38 રન બનાવવા ઉપરાંત એક વિકેટ પણ લીધી હતી અને એક કૅચ પણ ઝીલ્યો હતો. તેને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
આપણ વાંચો: આજે ભારત-પાક વચ્ચે એશિયા કપ ફાઇનલ: બંને કટ્ટર હરીફ ટીમોમાં છે આ નબળાઈઓ