સ્પોર્ટસ

વેસ્ટ ઇન્ડિઝે સાઉથ આફ્રિકાને સતત આટલામી સિરીઝમાં હરાવ્યું…

શમાર, શેફર્ડ, શાઇ હોપે અપાવી રોમાંચક જીત

Tarouba: વેસ્ટ ઈન્ડિઝે રવિવારે સાઉથ આફ્રિકાને લાગલગાટ ત્રીજી ટી-20 સિરીઝમાં હરાવીને શ્રેણી વિજયની હૅટ-ટ્રિક કરી હતી. પેસ બોલર રોમારિયો શેફર્ડ (4-0-15-3) મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો.
એઇડન માર્કરમની કેપ્ટન્સીમાં સાઉથ આફ્રિકાની ટીમ 180 રનના ટાર્ગેટ સામે 19.4 ઓવરમાં 149 રને ઑલઆઉટ થતાં કૅરિબિયન ટીમનો 30 રનથી વિજય થયો હતો.

બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાયેલી આ મૅચમાં પ્રવાસી ટીમમાંથી એકેય બૅટર હાફ સેન્ચુરી નહોતો કરી શક્યો. ઓપનર રીઝા હેન્ડ્રિક્સના 44 રન ટીમમાં હાઈએસ્ટ હતા જે તેણે 18 બૉલમાં બે સિક્સર અને છ ફોરની મદદથી બનાવ્યા હતા. માર્કરમ ફક્ત 19 રન અને ટ્રિસ્ટેન સ્ટબ્સ 28 રન બનાવી શક્યો હતો.

વેસ્ટ ઈન્ડિઝના બીજા ફાસ્ટ બોલર શમાર જોસેફે પણ ત્રણ વિકેટ તેમ જ અકીલ હોસેને બે વિકેટ લીધી હતી. એક-એક વિકેટ ગુડાકેશ મૉટી અને મેથ્યૂ ફોર્ડેને મળી હતી. રોસ્ટન ચેઝ એક પણ વિકેટ નહોતો લઈ શક્યો. ખરેખર તો ચેઝની એક જ ઓવરમાં 23 રન બન્યા હતા. એ ઓવરમાં ઓપનર હેન્ડ્રિક્સે બે સિક્સર અને બે ફોરની મદદથી 22 રન બનાવ્યા હતા.

એ પહેલાં, વેસ્ટ ઇન્ડીઝે બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં છ વિકેટે 179 રન બનાવ્યા હતા. એમાં ઓપનર શાઇ હોપના સૌથી વધુ 41 રન સામેલ હતા જે તેણે ૨૨ બૉલમાં ચાર સિક્સર અને બે ફોરની મદદથી બનાવ્યા હતા.

કેપ્ટન રોવમન પોવેલે ત્રણ સિક્સર અને એક ફોર સાથે 35 રન તેમ જ શેરફેન રુધરફર્ડે બે સિક્સર અને ત્રણ ફોરની મદદથી 29 રન બનાવ્યા હતા.
સાઉથ આફ્રિકાના બોલર લિઝાદ વિલિયમ્સે ત્રણ અને પેટ્રિક ક્રુગરે બે વિકેટ લીધી હતી.
હવે સાઉથ આફ્રિકાએ વાઈટવૉશથી બચવા બુધવારે ત્રીજી અને છેલ્લી ટી-20 જીતવી જ પડશે.

Also Read –

Show More

Related Articles

Back to top button
સોમવારે કરો આ વસ્તુઓનું દાન, તમને મળશે ભગવાન શિવજીના આશિર્વાદ જન્માષ્ટમી પર બનશે મહાસંયોગ, આ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી… તમારા છોટુની હાઈટ વધારવી છે? ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ…