વર્લ્ડ કપમાં શાબાશી, ઝિમ્બાબ્વેમાં નામોશી
રોહિત શર્માની ટીમ ટી-20નો તાજ જીતી લાવી, પણ ગિલના સુકાનમાં ટી-20 ટીમે હરારેમાં પહેલી જ ટી-20 હારીને ભારતને શરમમાં મૂક્યું
હરારે: એક તરફ ભારતના મુખ્ય ક્રિકેટરોની ટીમ વેસ્ટ ઇન્ડિઝથી ટી-20નો વર્લ્ડ કપ જીતીને આવી એના બરાબર એક અઠવાડિયે ભારતની ‘બી’ ટીમે હરારેના લો-સ્કોરિંગ મુકાબલામાં ઝિમ્બાબ્વેની બિન-અનુભવી ટીમ સામે હાર સ્વીકારી લેતાં ભારતની નામોશી થઈ હતી. શુભમન ગિલના નેતૃત્વમાં રમેલી ભારતીય ટીમે ઝિમ્બાબ્વેની ટીમને કદાચ અન્ડર-એસ્ટિમેટ કરી અને એનું પરિણામ ભોગવવું પડ્યું. આઇપીએલના સ્ટાર બૅટર્સવાળી ભારતીય ટીમ 116 રનનો નાનો ટાર્ગેટ પણ નહોતી મેળવી શકી અને 20મી ઓવરના પાંચમા બૉલ પર ફક્ત 102 રનના સ્કોરે ઑલઆઉટ થઈ જતાં ઝિમ્બાબ્વેનો 13 રનથી વિજય થયો હતો.
સિકંદર રઝાની કૅપ્ટન્સીમાં ઝિમ્બાબ્વેએ પાંચ મૅચની સિરીઝમાં 1-0થી સરસાઈ લીધી હતી.
આઇપીએલમાં સિક્સર્સની રમઝટ બોલાવનાર ભારતીય બૅટર્સના નામે આ મૅચમાં માત્ર એક સિક્સર હતી જે વૉશિંગ્ટન સુંદરે ફટકરી હતી.
કૅપ્ટન શુભમન ગિલ (31 રન, 29 બૉલ, 53 મિનિટ, પાંચ ફોર) પોતાની કાબેલિયત અને ક્ષમતા કરતાં ઊણો ઉતર્યો હતો. તેના આ 31 રન ટીમમાં હાઈએસ્ટ હતા. ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદરે (27 રન, 34 બૉલ, 49 મિનિટ, એક સિક્સર, એક ફોર) છેક સુધી ઝિમ્બાબ્વેના બોલર્સને હંફાવ્યા હતા, પરંતુ મૅચના સેક્ધડ-લાસ્ટ બૉલમાં 33 વર્ષના પેસ બોલર ટેન્ડાઈ ચટારાના બૉલમાં કૅચઆઉટ થઈ ગયો હતો. ખલીલ અહમદ ઝીરો પર અણનમ રહ્યો હતો. એ પહેલાં પેસ બોલર આવેશ ખાને (16 રન, 12 બૉલ, 12 મિનિટ, ત્રણ ફોર) વૉશિંગ્ટન સુંદરને સારો સાથ આપ્યો હતો, પરંતુ 16મી ઓવરમાં કૅપ્ટન સિકંદર રઝાના હાથમાં કૅચઆઉટ થઈ જતાં ભારતની હાર નિશ્ર્ચિત થઈ ગઈ હતી.
ઝિમ્બાબ્વે વતી કૅપ્ટન-સ્પિનર સિકંદર રઝાએ અને ચટારાએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. બાકીના ચારેય બોલરને એક-એક વિકેટ લેવામાં સફળતા મળી હતી. એકંદરે, ઝિમ્બાબ્વેએ જોરદાર બોલિંગ-આક્રમણથી ભારત સામે 115 રનનો નાનો સ્કોર પણ ડિફેન્ડ કર્યો હતો. સિકંદરને 17 રન બનાવવા ઉપરાંત પચીસ રનમાં ત્રણ વિકેટ લેવા બદલ મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.
આ પણ વાંચો : શુભમન ગિલે ઝિમ્બાબ્વે સામેની પ્રથમ ટી-20માં ફીલ્ડિંગ પસંદ કરી
જે ત્રણ ભારતીય બૅટર્સ આ વખતની આઇપીએલમાં સૌથી વધુ રન બનાવનારાઓના ટૉપ-ટેનમાં હતા તેઓ ઝિમ્બાબ્વે સામેની પહેલી જ મૅચમાં પાણીમાં બેસી ગયા હતા. વનડાઉન બૅટર ઋતુરાજ ગાયકવાડે આઇપીએલમાં 583 રન બનાવ્યા હતા, પણ ઝિમ્બાબ્વે સામે ફક્ત સાત રનમાં આઉટ થઈ ગયો હતો. મિડલ-ઑર્ડર બૅટર રિયાન પરાગે આઇપીએલમાં 573 રન બનાવ્યા હતા, પણ ઝિમ્બાબ્વે સામે ફક્ત બે રન બનાવીને પૅવિલિયન ભેગો થયો હતો. ઓપનર અભિષેક શર્માએ આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ વતી ભારતીય મેદાનો પર તોફાન મચાવ્યું હતું, પણ હરારેના ગ્રાઉન્ડ પર તે પોતાના ચોથા બૉલ પર ઝીરોમાં વિકેટ ગુમાવી બેઠો હતો. આ ત્રણેય આઇપીએલ સ્ટાર બૅટર્સ કૅચઆઉટ થયા હતા.
આઇપીએલમાં અભિષેકની 42 સિક્સર તમામ બૅટર્સમાં હાઈએસ્ટ હતી, જ્યારે રિયાન પરાગે 33 છગ્ગા ફટકાર્યા હતા. જોકે શનિવારે આ બન્ને બૅટર્સ એક ઓવર પણ ક્રીઝમાં નહોતા રહી શક્યા.
રિન્કુ સિંહ ભારતની વર્લ્ડ કપ ટીમમાં છેક સુધી રિઝર્વ પ્લેયર હતો. જોકે ઝિમ્બાબ્વે સામે તે પહેલી જ મૅચમાં પોતાના બીજા જ બૉલે કૅચઆઉટ થયો હતો. તેની વિકેટ ચટારાએ લીધી હતી. વિકેટકીપર ધ્રુવ જુરેલ પણ અપેક્ષા કરતાં નબળું રમ્યો હતો. તેણે તેના છ રન પર વિકેટ ગુમાવી હતી.
ભારતના 10માંથી સાત બૅટર કૅચઆઉટ થયા હતા.
એ પહેલાં, ભારતની ‘બી’ ટીમે અહીં યજમાન ઝિમ્બાબ્વેની ટીમને પ્રથમ ટી-20માં 20 ઓવરમાં નવ વિકેટે ફક્ત 115 રન બનાવવા દીધા હતા. ભારતીય બોલર્સમાં સ્પિનર રવિ બિશ્નોઈ (4-2-13-4)એ સૌથી સારું પર્ફોર્મ કર્યું હતું. પહેલી ત્રણમાંથી બે વિકેટ બિશ્નોઈએ લીધી હતી અને શરૂઆતના આંચકાને કારણે જ સિકંદર રઝાની ટીમ મોટો સ્કોર નોંધાવવામાં નિષ્ફળ રહી હતી.
બિશ્નોઈએ ઓપનર વેસેલી મેધેવીઅર (21 રન) તથા વનડાઉન બૅટર બ્રાયન બેનેટ (બાવીસ રન)ની મહત્ત્વની વિકેટ લીધી હતી. તેણે બન્નેને ક્લીન બોલ્ડ કર્યા હતા. બીજા ઓપનર ઇનોસન્ટ કેઇઆ (0)ને પેસ બોલર મુકેશ કુમારે તેના પહેલા જ બૉલમાં ક્લીન બોલ્ડ કર્યો હતો.
વિકેટકીપર-બૅટર ક્લાઇવ મૅડાન્ડે 29 રનના ટૉપ-સ્કોર સાથે અણનમ રહ્યો હતો. તેણે પચીસ બૉલની ઇનિંગ્સમાં ચાર ફોર ફટકારી હતી. દસમા નંબરના બૅટર બ્લેસિંગ મુઝારાબની (0)ની 90 રનના સ્કોર પર નવમી વિકેટ પડી ત્યારે એવું લાગતું હતું કે 100 રનની અંદર જ ઝિમ્બાબ્વેની ટીમનો વીંટો વળી જશે. જોકે મૅડાન્ડે અને ટેન્ડાઈ ચડારાની જોડી ભારતીય બોલર્સનો સામનો કરીને છેલ્લા 27 બૉલ સુધી રમી ગયા હતા અને પોતાની ટીમને ઑલઆઉટ નહોતી થવા દીધી. એ પહેલાં, મિડલના બૅટર ડિયોન માયર્સ (23 રન)એ પણ ઝિમ્બાબ્વેની ટીમને થોડો સન્માનજનક સ્કોર અપાવવામાં થોડું યોગદાન આપ્યું હતું.
સ્પિનિંગ-ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદરે બે વિકેટ તેમ જ પેસ બોલર આવેશ ખાન અને મુકેશ કુમારે એક-એક વિકેટ લીધી હતી. ખલીલ અહમદ અને અભિષેક શર્માને વિકેટ નહોતી મ ળી શકી.
એ અગાઉ, કૅપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી અને ટાર્ગેટ ચેઝ કરવાનું પસંદ કર્યું હતું.
ઓપનર અભિષેક શર્મા, વિકેટકીપર-બૅટર ધ્રુવ જુરેલ અને બૅટર રિયાન પરાગ ભારત વતી ટી-20માં ડેબ્યૂ કર્યું હતું.
ભારતની પ્લેઇંગ ઇલેવનમાં કૅપ્ટન ગિલ ઉપરાંત અભિષેક શર્મા, ઋતુરાજ ગાયકવાડ, રિયાન પરાગ, રિન્કુ સિંહ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વૉશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, મુકેશ કુમાર અને ખલીલ અહમદનો સમાવેશ હતો.
ટી-20 વર્લ્ડ કપ જીતીને ભારત પાછા આવેલા ખેલાડીઓને આ સિરીઝમાંથી આરામ આપવામાં આવ્યો છે. આ વર્લ્ડ ચૅમ્પિયન ટીમના ત્રણ પ્લેયર યશસ્વી જયસ્વાલ, સંજુ સૅમસન અને શિવમ દુબે ઝિમ્બાબ્વેમાં સિરીઝની ત્રીજી મૅચથી ગિલની ટીમ સાથે જોડાઈ જશે.
સિલેક્ટરોને ઝિમ્બાબ્વે સામેની આ સિરીઝ દ્વારા 2026ના ટી-20 વર્લ્ડ કપ માટેના ‘જનરેશનનેક્સ્ટ’ ખેલાડીઓની સ્ક્વૉડ તૈયાર કરવામાં ઘણી મદદ મળશે.
ઝિમ્બાબ્વેની ટીમમાં કૅપ્ટન સિકંદર રઝાની સાથે ટૅડિવાનાશે મારુમની, ઇનોસન્ટ કેઇઆ, બ્રાયન બેનેટ, ડિયૉન માયર્સ, જોનથન કૅમ્પબેલ, ક્લાઇવ મૅડાન્ડે (વિકેટકીપર), વેલિંગ્ટન માસાકાદ્ઝા, લ્યૂક જૉન્ગ્વે, બ્લેસિંગ મુઝારાબની અને ટેન્ડાઈ ચટારા સામેલ હતા.