શુભમન ગિલે ઝિમ્બાબ્વે સામેની પ્રથમ ટી-20માં ફીલ્ડિંગ પસંદ કરી
હરારે: ભારતે અહીં આજે ઝિમ્બાબ્વે સામેની ટી-20 સિરીઝની પ્રારંભિક મૅચમાં ફીલ્ડિંગ પસંદ કરી હતી. શુભમન ગિલ ભારતનો કૅપ્ટન છે અને તેણે ટૉસ જીતીને યજમાન ટીમ સામે ટાર્ગેટ ચેઝ કરવાનું પસંદ કર્યું હતું.
ઓપનર અભિષેક શર્મા, વિકેટકીપર-બૅટર ધ્રુવ જુરેલ અને બૅટર રિયાન પરાગ ભારત વતી ટી-20માં ડેબ્યૂ કરી રહ્યા છે.
તાજેતરની આઇપીએલમાં અભિષેકે સનરાઇઝર્સ હૈદરાબાદ વતી ધમાકેદાર પર્ફોર્મ કર્યું હતું. રિયાન પરાગ રાજસ્થાન રૉયલ્સની ટીમ વતી રમ્યો હતો અને તેણે પણ ઘણી દમદાર ઇનિંગ્સથી ટૂર્નામેન્ટના ટોચના બૅટર્સમાં 573 રન સાથે ત્રીજી સ્થાન મેળવ્યું હતું.
ભારતની પ્લેઇંગ ઇલેવનમાં કૅપ્ટન ગિલ ઉપરાંત અભિષેક શર્મા, ઋતુરાજ ગાયકવાડ, રિયાન પરાગ, રિન્કુ સિંહ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વૉશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, મુકેશ કુમાર અને ખલીલ અહમદનો સમાવેશ છે.
ટી-20 વર્લ્ડ કપ જીતીને ભારત પાછા આવેલા ખેલાડીઓને આ સિરીઝમાંથી આરામ આપવામાં આવ્યો છે. આ વર્લ્ડ ચૅમ્પિયન ટીમના ત્રણ પ્લેયર યશસ્વી જયસ્વાલ, સંજુ સૅમસન અને શિવમ દુબે ઝિમ્બાબ્વેમાં સિરીઝની ત્રીજી મૅચથી ગિલની ટીમ સાથે જોડાઈ જશે.
સિલેક્ટરોને ઝિમ્બાબ્વે સામેની આ સિરીઝ દ્વારા 2026ના ટી-20 વર્લ્ડ કપ માટેના ‘જનરેશનનેક્સ્ટ’ ખેલાડીઓની સ્ક્વૉડ તૈયાર કરવામાં ઘણી મદદ મળશે.
ઝિમ્બાબ્વેની ટીમમાં કૅપ્ટન સિકંદર રઝાની સાથે ટૅડિવાનાશે મારુમની, ઇનોસન્ટ કેઇઆ, બ્રાયન બેનેટ, ડિયૉન માયર્સ, જોનથન કૅમ્પબેલ, ક્લાઇવ મૅડાન્ડે (વિકેટકીપર), વેલિંગ્ટન માસાકાદ્ઝા, લ્યૂક જૉન્ગ્વે, બ્લેસિંગ મુઝારાબની અને ટેન્ડાઈ ચટારા સામેલ છે.