શુભમલ ગીલની કેપ્ટન્સીમાં આ ત્રણ ખેલાડીને મળ્યો ડેબ્યુ કરવાનો મોકો
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 મેચની T-20 સિરીઝની શરૂઆત થઈ ગઈ છે . તાજેતરમાં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ ભારતીય ટીમ હવે યુવા ખેલાડીઓને તક આપવા માંગે છે. તેથી ઝિમ્બાબ્વે સામેની આ શ્રેણીમાં સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે અને નવોદિત યંગ ખેલાડીઓને તક આપવામાં આવી છે. શુભમન ગિલના માથે મોટી જવાબદારી નાખવામાં આવી છે. શુભમન ગિલ ટીમ યંગ ઈન્ડિયાની કેપ્ટનસી કરી રહ્યો છે. 5 મેચની શ્રેણીની પ્રથમ મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના 3 યુવા ખેલાડીઓને ડેબ્યૂ કરવાની તક મળી છે. આ ખેલાડીઓએ IPLમાં શાનદાર પ્રદર્શનના આધારે ટીમ ઈન્ડિયામાં પોતાની જગ્યા બનાવી છે.
શુભમન ગીલની કેપ્ટનશીપમાં યુવા ટીમ ઝિમ્બાબ્વે સામે રમી રહી છે. ઝિમ્બાબ્વે સામેની શ્રેણીની પ્રથમ મેચમાં અભિષેક શર્મા, ધ્રુવ જુરેલ અને રેયાન પરાગ જેવા ત્રણ ખેલાડીઓ ભારતીય ટીમમાં T-20Iમાં ડેબ્યૂ કરવામાં સફળ થયા છે. અભિષેક શર્મા અને રિયાન પરાગની આ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ છે. જ્યારે, ધ્રુવ જુરેલનું આ T20I ડેબ્યુ છે. તે ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ડેબ્યૂ કરી ચૂક્યો છે. આ ત્રણેય ખેલાડીઓ જોરદાર પ્રદર્શન કરીને પોતાના ડેબ્યુને યાદગાર બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરશે.
IPL 2024માં અભિષેક શર્મા અને રિયાન પરાગે પોતાની ધમાકેદાર બેટિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. રિયાન પરાગ IPL 2024માં રાજસ્થાન રોયલ્સ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. પરાગ સિઝનનો ત્રીજો સૌથી સફળ બેટ્સમેન હતો.
તેણે 16 મેચમાં 149.22ની સ્ટ્રાઈક રેટથી 573 રન બનાવ્યા. આ દરમિયાન તેણે 4 અડધી સદી ફટકારી હતી. તે જ સમયે, અભિષેક શર્માએ IPL 2024ની 16 મેચમાં કુલ 484 રન બનાવ્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 204.22 હતો. આ દરમિયાન તેણે કુલ 42 સિક્સર પણ ફટકારી હતી. તેથી એમ કહીએ કે આ ખેલાડીઓને આઈપીએલના પ્રદર્શનનું ઈનામ મળ્યું તો તે ખોટું નહીં હોય. હવે આ ખેલાડીઓ ઝળકે છે કે પછી વન મેચ વંડર બનીને રહી જાય છે એ જોવું રહ્યું