ધર્મશાલાઃ અહીંયા રમાયેલી વર્લ્ડ કપની મેચમાં સાઉથ આફ્રિકાને 38 રનથી હાર આપી હતી. ભવ્ય જીત બાદ નેધરલેન્ડના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે કહ્યું હતું કે દક્ષિણ આફ્રિકા સામેની ઐતિહાસિક જીત કોઈ તુકકો નથી. જો તેની ટીમ તેની ક્ષમતા મુજબ પ્રદર્શન કરે તો વર્લ્ડ કપમાં કોઈપણ ટીમને હરાવી શકે છે.
નેધરલેન્ડ્સે રાઉન્ડ રોબિન લીગ તબક્કામાં દક્ષિણ આફ્રિકાને 38 રનથી હરાવ્યું હતું જે વિશ્વ કપના ઇતિહાસમાં ટેસ્ટ રમતા દેશ સામેની તેમની પ્રથમ જીત છે. વરસાદના કારણે ટીમ દીઠ 43 ઓવરની મેચ રમાઈ હતી.
એડવર્ડ્સે મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે “અમે દરેક મેચમાં રણનીતિ સાથે મેદાનમાં ઉતરીએ છીએ અને જીતવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીએ છીએ. અમે અમારું શ્રેષ્ઠ ક્રિકેટ રમવા માંગીએ છીએ અને આમ કરીને અમે કોઈપણ ટીમને હરાવી શકીએ છીએ.
વન-ડે વર્લ્ડ કપમાં નેધરલેન્ડની આ ત્રીજી અને 16 વર્ષમાં પ્રથમ જીત છે. તેઓએ 2003માં નામિબિયાને અને 2007ના વર્લ્ડ કપમાં સ્કોટલેન્ડને હરાવ્યું હતું. એડવર્ડ્સે કહ્યું કે તેમની ટીમ અહીં માત્ર નંબર વધારવા માટે નથી આવી.
તેણે કહ્યું હતું કે ક્વોલિફાય થયા પછી અમે નક્કી કર્યું હતું કે શું કરવું. અમે અહીં માત્ર વર્લ્ડ કપ માણવા નથી આવ્યા. અમે અહીં જીતવા માટે આવ્યા છીએ. દક્ષિણ આફ્રિકા ખૂબ જ મજબૂત ટીમ છે અને સેમિફાઇનલમાં સ્થાન મેળવવા માટે પણ મજબૂત દાવેદાર છે. અમારે આવી જ રીતે મજબૂત ટીમોને હરાવવી પડશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને