WCL 2025: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ; આ ભારતીય ખેલાડીઓએ રમવાનો ઇનકાર કર્યો | મુંબઈ સમાચાર
ટોપ ન્યૂઝસ્પોર્ટસ

WCL 2025: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ; આ ભારતીય ખેલાડીઓએ રમવાનો ઇનકાર કર્યો

લંડન: વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની બીજી સીઝન હાલ યુકેમાં રમાઈ રહી (WCL 2025) છે, જેમાં નિવૃત થઇ ગયેલા દિગ્ગજ ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. આ સિઝનની પહેલી મેચ 18 જુલાઈના રોજ રમાઈ હતી, ટુર્નામેન્ટની ચોથી મેચ આજે 20 જુલાઈના રોજ એજબેસ્ટન ખાતે ઇન્ડીયા ચેમ્પિયન અને પાકિસ્તાન ચેમ્પિયન વચ્ચે રમાવાની હતી, પરંતુ કેટલાક ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન સામે રમવાની મનાઈ કરતા આ મેચ રદ કરવામાં આવી (Ind Champions vs Pak Champions match called off) છે.

આ ટુર્નામેન્ટનું શેડ્યુલ જાહેર થયા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રદ કરવાની માંગ ઉઠી હતી. ઇન્ડિયા ચેમ્પિયન્સ ટીમના હરભજન સિંહ, શિખર ધવન, યુસુફ પઠાણ અને ઇરફાન પઠાણે મેચમાં રમવાનો ઇનકાર કરી દીધો હતો. હવે ટુર્નામેન્ટની આયોજક સમિતિએ મેચ રદ કરવાની ફરજ પડી છે.

WCL એ માફી માંગી!

WCL એ એક નિવેદન જાહેર કરીને કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ કરવામાં આવી હોવાની જાહેરાત કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે આ વર્ષે પાકિસ્તાન હોકી ટીમ ભારત આવશે તેવા સમાચાર જાણવા મળ્યા અને તાજેતરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વોલીબોલ મેચ પણ યોજાઈ હતી. વિવિધ રમતોમાં બંને દેશો વચ્ચે રમાયેલી કેટલીક અન્ય મેચો ને ધ્યાનમાં રાખીને, અમે WCL માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ યોજવાનું વિચાર્યું, જેથી વિશ્વભરના ચાહકો માટે કેટલીક ખુશીઓથી ભરપુર યાદો બને. પણ કદાચ આ દરમિયાન અમે કેટલાક લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડી.

નિવેદનમાં કહેવામાં આવ્યું અમે અજાણતાં જ ભારતીય ક્રિકેટ દિગ્ગજોને તકલીફ પહોંચાડી, જેમણે દેશને ઘણું ગૌરવ અપાવ્યું છે, અને અમે ફક્ત રમત પ્રત્યેના પ્રેમથી અમને ટેકો આપતી કેટલીક બ્રાન્ડ્સને પણ તકલીફ થઇ. તેથી, અમે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ કરવાનો નિર્ણય લીધો છે.

પહલગામ હુમલાની અસર:

ભારતીયોની યાદમાંથી 22 એપ્રિલ 2025નો દિવસ ભૂંસવો અશક્ય છે, આ દિવસે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો થયો હતો. જેમાં 26 નિર્દોષોની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધરી પાકિસ્તાન અને PoKમાં આવેલા આતંકવાદી ઠેકાણાનો નાશ કર્યો હતો. ત્યાર બાદ બંને દેશો વચ્ચે 5 દિવસ સુદ્ધિ સશસ્ત્ર સંઘર્ષ ચાલ્યો હતો, બંને દેશો વચ્ચે કોઈ પણ સમયે યુદ્ધ ફાટી નીકળવાની સ્થિતિ ઉભી થઇ હતી, પરંતુ એવું થયું ન હતું, પણ બંને દેશોના સંબંધો સૌથી ખરાબ સ્તરે પહોંચી ગયા છે.

WCLમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ની જહેરાત કરવામાં આવતા ઘણી ટીકા થઈ રહી હતી, સૌ પહેલા શિખર ધવને પાકિસ્તાન સામેની મેચમાં ન રમવાનો નિર્ણય લીધો હતો, ત્યાર બાદ હરભજન સિંહે પણ આ મેચ ન રમવાની જાહેરાત કરી. હવે આ વિરોધને ધ્યાનમાં રાખીને, ટુર્નામેન્ટ આયોજન સમિતિએ મેચ રદ કરવાનો નિર્ણય લેવો પડ્યો.

આ પણ વાંચો…એશિયા કપના આયોજન પર સંકટના વાદળો, બીસીસીઆઈએ ઢાકામાં બેઠકમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button