સચિન તેંદુલકર રોહિત-વિરાટને ખરાબ ફોર્મમાંથી ઉગારી શકશે? પૂર્વ હેડ કોચે BCCIને આપી સલાહ
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમ બોર્ડર ગાવસ્કર ટ્રોફી(BGT) રમવા માટે ઓસ્ટ્રેલીયા પહોંચી ગઈ છે, આ પાંચ મેચની સિરીઝ ભારત માટે પડકારરૂપ સાબિત થવાની છે. એ પહેલા રોહિત શર્મા અને વિરાટ કોહલીનું ખરાબ ફોર્મ ટીમ (Rohit Sharma and Virat Kohli struggles with form) મેનેજમેન્ટ માટે ચિંતાનો વિષય બન્યો છે. પૂર્વ ભારતીય ક્રિકેટર ડબલ્યુવી રમને (WB Raman) વિરાટ-રોહિતને ખરાબ ફોર્મમાંથી બહાર લાવવા માટે BCCIને સચિન તેંડુલકર(Sachin Tendulkar)ની મદદ લેવાની સલાહ આપી છે.
ડબલ્યુવી રમન ભારતીય મહિલા ક્રિકેટ ટીમના હેડ કોચ રહી ચુક્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે, “મને લાગે છે કે જો BCCI બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે બેટિંગ સલાહકાર તરીકે સચિન તેંડુલકરની નિમણુંક કરે તો ખેલાડીઓને ફાયદો થઈ શકે છે. બીજી ટેસ્ટ મેચને આડે હજુ ઘણા દિવસો બાકી છે. આજકાલ સલાહકારની મદદ લેવાનું નવું નથી.”
સચિને અગાઉ પણ વિરાટની મદદ કરી છે:
લગભગ 10 વર્ષ પહેલા ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન વિરાટ કોહલી પીચ પર રન બનાવવા ઝઝૂમી રહ્યો હતો. 2014માં ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં કોહલીએ પાંચ ઈનિંગ્સમાં માત્ર 134 રન બનાવ્યા હતા. ઘણા વર્ષો પછી ચર્ચા કરતી વખતે વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે સચિન તેંડુલકરની સલાહ બાદ તે બેટિંગમાં કેવી રીતે સુધારો કરી શક્યો હતો.
આ પણ વાંચો :ભારતની ટી-20માં પાંખવાળા ઉડતા મકોડાનો આતંક: સાઉથ આફ્રિકામાં આ કોઈ નવી વાત નથી!
વિરાટે કહ્યું હતું કે, “મેં ઈંગ્લેન્ડથી પાછા આવ્યા બાદ સચિન તેંડુલકર સાથે વાત કરી અને મુંબઈમાં એ મુજબ પ્રેક્ટિસ પણ કરી. મેં તેમને કહ્યું કે હું મારી હિપ પોઝિશન પર કામ કરી રહ્યો છું. તેમણે મને કહ્યું કે લાંબા સ્ટેપ્સ સાથે ચાલવું ખૂબ ફાયદાકારક રહેશે. તેમણે એમ પણ સમજાવ્યું કે ફાસ્ટ બોલરો સામે થોડું આગળ ઝુકીને રમવું કેવી રીતે ફાયદાકારક હોઈ શકે છે. જેમ જેમ મેં આ સલાહ મુજબ મારી હિપ પોઝિશન પર કામ કર્યું, ત્યાર બાદ બધું સારું થવા લાગ્યું.”
3 ટેસ્ટ મેચમાં ભારતની 37 વિકેટ પડી ત્યારે ભારતીય બેટિંગની ટીકા થઈ. જ્યારે રોહિત અને કોહલી ત્રણ ટેસ્ટ મેચમાં અનુક્રમે 91 અને 93 રન બનાવી શક્યા હતા.