સ્પોર્ટસ

વૉશિંગ્ટનને બોલિંગ ન કરવા મળી તો બૅટિંગમાં વટ રાખ્યો, ભારતને જિતાડ્યું

પાંચ મૅચની સિરીઝ 1-1ની બરાબરીમાંઃ અર્શદીપ મૅન ઑફ ધ મૅચ

હૉબાર્ટઃ ભારતે અહીં રવિવારે યજમાન ઑસ્ટ્રેલિયા (Australia) સામેની શ્રેણીની ત્રીજી ટી-20માં નવ બૉલ બાકી રાખીને પાંચ વિકેટના માર્જિનથી વિજય મેળવીને સિરીઝ 1-1ની બરાબરીમાં લાવી દીધી હતી. બોલિંગમાં લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર તથા મૅન ઑફ ધ મૅચ અર્શદીપ સિંહ (4-0-35-3) અને બૅટિંગમાં ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદર (49 અણનમ, 23 બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર) આ જીતના બે કર્ણધાર હતા.

અર્શદીપે (Arshdeep) ત્રણ આક્રમક બૅટ્સમૅન ટ્રૅવિસ હેડ (છ રન), વિકેટકીપર જૉશ ઇંગ્લિસ (એક રન) અને માર્કસ સ્ટોઇનિસ (64 રન, 39 બૉલ, બે સિક્સર, આઠ ફોર)ની વિકેટ લીધી હતી. વૉશિંગ્ટન સુંદરને બોલિંગ કરવા નહોતી મળી, પણ તેણે બૅટિંગમાં પરચો બતાવી દીધો હતો.

ભારતે 187 રનનો લક્ષ્યાંક 18.3 ઓવરમાં 5/188ના સ્કોર સાથે મેળવી લીધો હતો. અભિષેક (પચીસ રન), ગિલ (15 રન), સૂર્યકુમાર (24 રન), તિલક વર્મા (29 રન), અક્ષર (17 રન)ના સાધારણ પર્ફોર્મન્સ હતા, જ્યારે વિકેટકીપર જિતેશ શર્મા (બાવીસ અણનમ)એ ધબડકો રોકીને સુંદરને છેક સુધી સાથ આપીને ભારતને વિજયના દ્વાર સુધી પહોંચાડ્યું હતું. પેસ બોલર નૅથન એલિસ (36 રનમાં ત્રણ વિકેટ)નો બોલિંગ પર્ફોર્મન્સ પાણીમાં ગયો હતો.

એ પહેલાં, ઑસ્ટ્રેલિયાએ છ વિકેટે 186 રન કર્યા હતા. ઑસ્ટ્રેલિયાની ઇનિંગ્સમાં ટિમ ડેવિડના 74 રન અને માર્કસ સ્ટોઇનિસના 64 રન હતા. અર્શદીપ સિંહની ત્રણ વિકેટ ઉપરાંત વરુણ ચક્રવર્તીએ બે વિકેટ અને શિવમ દુબેએ એક વિકેટ લીધી હતી. બુમરાહ, અક્ષર, અભિષેકને વિકેટ નહોતી મળી.

હવે ત્રણ દિવસના બ્રેક બાદ ગુરુવારે કૅરેરામાં ચોથી ટી-20 (બપોરે 1.45 વાગ્યાથી) રમાશે.

આ પણ વાંચો…IND vs AUS: ભારત પહેલીવાર હોબાર્ટમાં T20I મેચ રમશે; પ્લેઇંગ-11માં થશે ફેરફાર! જુઓ પિચ રીપોર્ટ…

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button