શું આ ખેલાડીની ટીમ ઇન્ડિયામાં વાપસી થઈ રહી છે? અચાનક તેનું નામ સ્ક્વૉડમાં ઉમેરાયું!
પુણે: રોહિત શર્માના સુકાનમાં ભારતીય ટીમ ન્યૂ ઝીલૅન્ડ સામેની બેન્ગલૂરુ ખાતેની પ્રથમ ટેસ્ટમાં પરાજિત થતાં બૅકફૂટ પર છે, પરંતુ ખાસ કંઈ ચિંતા નથી કારણકે આ શ્રેણીમાં હજી બે ટેસ્ટ રમાવાની બાકી છે. એ ઉપરાંત, ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવા માટે પણ ભારત પાસે હજી ઘણા વિકલ્પો છે. દરમ્યાન ટેસ્ટ માટેની ટીમ ઇન્ડિયામાં એક સ્ટાર પ્લેયરની વાપસી થઈ રહી હોવાના સમાચારે ધૂમ મચાવી છે. તેના કમબૅક માટે રોહિત શર્માએ ફૂલપ્રૂફ પ્લાન પણ તૈયાર કરી લીધો હોવાનું મનાય છે. આપણે સ્પિન-ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદરની વાત કરી રહ્યા છીએ.
આ પણ વાંચો : નિવૃત્તિ પરત ખેંચીને મેદાનમાં ઉતરશે આ સ્ટાર ક્રિકેટર? બોર્ડર-ગાવસ્કર સીરિઝ પહેલા આપ્યું મોટું નિવેદન
વૉશિંગ્ટન સુંદર છેલ્લે માર્ચ 2021માં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ રમ્યો હતો. ત્યાર બાદ સવાત્રણ વર્ષમાં તેને એકેય ટેસ્ટ નથી રમવા મળી. તેણે ચાર ટેસ્ટમાં છ વિકેટ લીધી છે.
જોકે તે ભારત વતી બાવીસ વન-ડે અને બાવન ટી-20 રમી ચૂક્યો છે.
સામાન્ય રીતે જો સ્ક્વૉડમાંનો કોઈ ખેલાડી ઈજા પામે તો સ્ક્વૉડની બહારના કોઈ પ્લેયરને તેના સ્થાને ટીમમાં સમાવવામાં આવે છે. જોકે બેન્ગલૂરુમાં ન્યૂ ઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતનો પરાજય થયો ત્યાર બાદ સિલેક્ટર્સે અચાનક વૉશિંગ્ટન સુંદરનું નામ સ્ક્વૉડમાં ઉમેરી દીધું છે. એના પરથી લાગે છે કે પુણેમાં ગુરુવારે શરૂ થતી બીજી ટેસ્ટમાં તેને રમાડવામાં આવશે.
પુણેની પિચ સ્પિનર્સને વધુ માફક આવે એવી છે અને એના પર સુંદર સફળ થઈ શકે એમ છે. તે બૅટિંગમાં પણ ઉપયોગી થઈ શકશે. તે 2021માં જે ચાર ટેસ્ટ રમ્યો હતો એમાં તેણે છ વિકેટ લેવા ઉપરાંત 265 રન પણ બનાવ્યા હતા. એમાં તેની બૅટિંગ-ઍવરેજ 66.25 હતી. તેણે ત્રણ હાફ સેન્ચુરી ફટકારી હતી તેમ જ 265 રનમાં તેની 31 ફોર સામેલ હતી.
આ પણ વાંચો : ગિલની વાપસી લગભગ નક્કી: રાહુલને ઇલેવનમાં રાખવો છે, પણ સરફરાઝ…
એ જોતાં, સુંદર ટીમ ઇન્ડિયાને ટેસ્ટમાં બોલિંગ કરતાં બૅટિંગમાં વધુ ઉપયોગી બન્યો છે. બની શકે કે કેએલ રાહુલના સ્થાને સુંદરને રમવાનો મોકો મળી શકે.