વૉશિંગ્ટન સુંદરે કમબૅકના પહેલા જ દિવસે વટ પાડ્યો
સવાત્રણ વર્ષે રમવા મળતાં લીધી સાત વિકેટ: ન્યૂ ઝીલૅન્ડના 259 રનના જવાબમાં ભારતના 16/1
પુણે: ભારતે અહીં ન્યૂ ઝીલૅન્ડને બીજી ટેસ્ટના પહેલા દાવમાં 259 રનમાં આઉટ કરી દીધું હતું અને પછી 15 રનમાં રોહિત શર્માની વિકેટ ગુમાવી દીધી હતી. રોહિતને પેસ બોલર ટિમ સાઉધીએ ઝીરો પર જ ક્લીન બોલ્ડ કરી દીધો હતો. પ્રથમ દિવસની રમત પૂરી થઈ ત્યારે શુભમન ગિલ 10 રને અને યશસ્વી જયસ્વાલ છ રને રમી રહ્યો હતો.
ગુરુવારનો પહેલો દિવસ ખાસ કરીને સ્પિન-ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદર (23.1-4-59-7)નો હતો. તેને સવાત્રણ વર્ષે ફરી ટેસ્ટમાં રમવાનો મોકો મળ્યો અને એનો તેણે પૂરો ફાયદો ઉઠાવી લીધો. કુલદીપ યાદવને પડતો મૂકીને વૉશિંગ્ટનને ઇલેવનમાં સમાવવાનો ભારતીય ટીમ મૅનેજમેન્ટનો નિર્ણય યોગ્ય ઠર્યો છે.
અહીં મહારાષ્ટ્ર સ્ટેટ ઍસોસિયેશનના મેદાન પર વૉશિંગ્ટને ન્યૂ ઝીલૅન્ડ સામેની બીજી ટેસ્ટના પ્રથમ દિવસે પહેલા દાવમાં 59 રનમાં સાત વિકેટ લઈને તરખાટ મચાવી દીધો હતો. તેણે આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં પહેલી જ વખત દાવમાં પાંચ કે વધુ વિકેટની સિદ્ધિ મેળવી છે.
જોકે પીઢ ઑફ-સ્પિનર રવિચન્દ્રન અશ્ર્વિને કિવીઓને સ્પિનની જાળમાં ફસાવવાની શરૂઆત કરી હતી. કિવીઓની 10માંથી પહેલી ત્રણ વિકેટ અશ્ર્વિને અને ત્યાર પછીની તમામ સાત વિકેટ વૉશિંગ્ટન સુંદરે લીધી હતી.
એ રીતે, ન્યૂ ઝીલૅન્ડની ટીમ પર પૂર્ણપણે ભારતીય સ્પિનર્સનું વર્ચસ્વ રહ્યું. જોકે બે કિવી બૅટર હાફ સેન્ચુરી ફટકારીને ભારતીય ટીમને થોડો ઘણો વળતો જવાબ આપવામાં પણ સફળ થયા હતા.
આ પણ વાંચો : સાઉથ આફ્રિકાને છેક આટલા વર્ષે એશિયામાં ટેસ્ટ-મૅચ જીતવા મળી…
ઓપનર ડેવૉન કૉન્વે (76 રન, 141 બૉલ, અગિયાર ફોર) અને રાચિન રવીન્દ્ર (65 રન, 105 બૉલ, એક સિક્સર, પાંચ ફોર) વચ્ચે ત્રીજી વિકેટ માટે 62 રનની અને રાચિન તથા ડેરિલ મિચલ (18 રન, 54 બૉલ) વચ્ચે 59 રનની ભાગીદારી થઈ હતી.
વૉશિંગ્ટન સુંદર આ પહેલાં માર્ચ 2021માં ટેસ્ટ મૅચ રમ્યો હતો. ત્યારે તે ચાર ટેસ્ટના સાત દાવમાં કુલ 299 રનમાં છ વિકેટ લઈ શક્યો હતો, જયારે આજે તેણે કમબૅક પછીના પહેલા જ દાવમાં 59 રનમાં સાત વિકેટનો તરખાટ મચાવ્યો.
અહીં પુણેમાં ત્રીજો સ્પિનર રવીન્દ્ર જાડેજા (18-0-53-0) વિકેટ નહોતો લઈ શક્યો, પણ તેણે કિવી બૅટર્સને અંકુશમાં જરૂર રાખ્યા હતા. જસપ્રીત બુમરાહ (8-2-32-0) તથા આકાશ દીપ (6-0-41-0)ને પણ વિકેટ નહોતી મળી.
ભારતે આ મૅચ માટે ટીમમાં ત્રણ ફેરફાર કર્યા છે. શુભમન ગિલ ઈજામુક્ત થયા બાદ ટીમમાં પાછો આવ્યો છે. કેએલ રાહુલ ઉપરાંત કુલદીપ યાદવને અને મોહમ્મદ સિરાજને ડ્રૉપ કરવામાં આવ્યા છે. ટીમમાં કમબૅક કરનાર ગિલ ઉપરાંતના બીજા બે પ્લેયરમાં વૉશિંગ્ટન તેમ જ આકાશ દીપનો સમાવેશ છે.
ગુરુવારની પ્રથમ દિવસની રમત પૂરી થઈ એ પહેલાં રોહિત શર્મા તો ટિમ સાઉધીનો શિકાર થયો હતો, પરંતુ યશસ્વી અને ગિલે સાઉધી ઉપરાંત બીજા પેસ બોલર વિલિયમ ઑ’રુર્કે તેમ જ બે સ્પિનર ઍજાઝ પટેલ અને મિચલ સૅન્ટનરના આક્રમણનો સમજદારીથી સામનો કર્યો હતો અને ધબડકો અટકાવ્યો હતો.
બન્ને દેશની પ્લેઇંગ-ઇલેવન
ભારત: રોહિત શર્મા (કૅપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, સરફરાઝ ખાન, રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, વૉશિંગ્ટન સુંદર, રવિચન્દ્રન અશ્ર્વિન, જસપ્રીત બુમરાહ અને આકાશ દીપ.
ન્યૂ ઝીલૅન્ડ: ટૉમ લેથમ (કૅપ્ટન), ડેવૉન કૉન્વે, વિલ યંગ, રાચિન રવીન્દ્ર, ડેરિલ મિચલ, ટૉમ બ્લન્ડેલ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, મિચલ સૅન્ટનર, ટિમ સાઉધી, ઍજાઝ પટેલ અને વિલિયમ ઑ’રુર્કે.