સ્પોર્ટસ

વૉશિંગ્ટન સુંદરે છાતી પર મમ્મીનું ટૅટૂ ચિતરાવીને અસંખ્ય ચાહકોના દિલ જીતી લીધાં

અમદાવાદઃ ભારત વતી 86 આંતરરાષ્ટ્રીય મૅચ રમી ચૂકેલા અને બાવીસમી માર્ચે શરૂ થનારી આઇપીએલમાં ગુજરાત ટાઇટન્સ (જીટી) વતી રમનાર ઑફ-સ્પિન ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદર થોડા દિવસથી એક અંગત કારણસર ન્યૂઝમાં ચમકી રહ્યો છે. તેણે પોતાની છાતી પર તેની મમ્મીના ચહેરાનું ટૅટૂ ચિતરાવ્યું છે.

વૉશિંગ્ટને તાજેતરમાં પોતાના ઘરમાં યોજાયેલી એક સેરેમની દરમ્યાન પોતાના જે ફોટો પાડવામાં આવ્યા હતા એ ઇન્સ્ટાગ્રામ પર પોતાના હૅન્ડલ પર શૅર કર્યા છે. એક ફોટોમાં તે પરંપરાગત પહેરવેશમાં પરિવારજનો સાથે જોવા મળે છે. બીજા ફોટોમાં તે મમ્મી સાથે ઊભેલો દેખાય છે અને વૉશિંગ્ટને પોતાની છાતી પર મમ્મીના ચહેરાનું ટૅટૂ ચિતરાવ્યું છે એ પણ સ્પષ્ટ દેખાય છે. કહેવાની જરૂર નથી કે વૉશિંગ્ટનના દિલમાં તેના મમ્મી પ્રત્યે જે લાગણીઓ અને સન્માન છે એ તેમના જ ચહેરાના રૂપમાં તેણે પોતાની છાતી પર અંકિત કરી છે.

આ પણ વાંચો: ગાવસકરે લંચ વખતે વૉશિંગ્ટન સુંદરની વાત નીકળી એટલે દિવાલ પર પ્લેટ પછાડી, જાણો શા માટે…

વૉશિંગ્ટને આ ફોટો શૅર કર્યા કે થોડી જ વારમાં સોશિયલ મીડિયામાં તેના પર અભિનંદનની વર્ષા થવા લાગી હતી.
વૉશિંગ્ટન સુંદરને ગુજરાત ટાઇટન્સે 3.2 કરોડ રૂપિયામાં મેળવ્યો છે.

વૉશિંગ્ટન સુંદરનો જન્મ 1999ની પાંચમી ઑક્ટોબરે ચેન્નઈમાં થયો હતો. તેના પિતાનું નામ મણી સુંદર હતું. તેમણે તેમના મૅન્ટર અને ભારતીય લશ્કરના ભૂતપૂર્વ અધિકારી પી. ડી. વૉશિંગ્ટનના નામ પરથી પુત્રનું નામ વૉશિંગ્ટન રાખ્યું હતું. મણી સુંદર પણ ક્રિકેટર હતા. મણી સુંદરને પી. ડી. વૉશિંગ્ટનની મદદથી જ સ્પોર્ટ્સ ક્વૉટામાંથી કરવેરા વિભાગમાં નોકરી મળી હતી.

વૉશિંગ્ટન સુંદર પચીસ વર્ષનો છે. તેની 34 વર્ષીય બહેન એમ. શૈલજા પણ ક્રિકેટર છે. તે છેલ્લે 2021માં તામિલનાડુ વતી વિમેન્સ સિનિયર વન-ડે ટ્રોફી નામની ટૂર્નામેન્ટમાં રમી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button