સ્ટીવ સ્મિથની ટચલી આંગળી તૂટતાં જ ઑસ્ટ્રેલિયાના હાથમાંથી ટ્રોફી છીનવાઈ?

લૉર્ડ્સઃ અહીં ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ (બપોરે 3.00 વાગ્યાથી)માં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઑસ્ટ્રેલિયાના ખેલાડી સ્ટીવ સ્મિથ (STEVE SMITH)ની જમણા હાથની ટચલી આંગળી (PINKIE)માં ફ્રૅક્ચર થતાં તે ફાઇનલની બહાર થઈ ગયો હતો. તેની આ ઈજા ઑસ્ટ્રેલિયાને ખૂબ ભારે પડી શકે એમ છે, જ્યારે સાઉથ આફ્રિકાને ઐતિહાસિક લાભ મળી શકે એમ છે.
સાઉથ આફ્રિકનો કૅપ્ટન ટેમ્બા બવુમા માત્ર બે રન પર હતો એ સમયે પ્રથમ સ્લિપમાં સ્મિથ તેનો કૅચ પકડવા ગયો ત્યારે બૉલ તેને ટચલી આંગળી પર વાગ્યો હતો અને ગંભીર ઈજા (FRACTURE) થઈ હતી. શુક્રવારે ત્રીજા દિવસની રમત બંધ રહી ત્યારે બવુમા 65 રને રમી રહ્યો હતો અને સાઉથ આફ્રિકાએ જીતવા માટે ફક્ત 69 રન કરવાના બાકી હતા. બવુમા અને ઓપનર એઇડન માર્કરમ (102 નૉટ આઉટ, 159 બૉલ, 11 ફોર) વચ્ચે ત્રીજી વિકેટ માટે 143 રનની અતૂટ ભાગીદારી થઈ હતી.

હવે આજે સાઉથ આફ્રિકાનો ધબડકો ન થાય અને બાકીના 69 રન હેમખેમ પૂરા થઈ જાય તો સાઉથ આફ્રિકાના ક્રિકેટ ઇતિહાસમાં આ બહુ મોટી સિદ્ધિ કહેવાશે. સ્મિથથી છૂટેલો બવુમાનો કૅચ ઑસ્ટ્રેલિયાને મોંઘો પડી શકે છે અને સાઉથ આફ્રિકાને પહેલી વાર મોટી આઇસીસી ટ્રોફી અપાવી શકે છે.
બવુમાનો બે રને કૅચ છૂટ્યો ત્યારે સાઉથ આફ્રિકાનો સ્કોર બે વિકેટે 76 રન હતો અને ત્યાર પછી બવુમા અને માર્કરમ દિવસની રમતના અંત સુધીમાં ટીમના સ્કોરને 213/2 સુધી લઈ ગયા હતા.
સ્મિથ સામાન્ય રીતે પ્રથમ સ્લિપમાં સ્ટમ્પ્સથી જેટલો દૂર ઊભો રહેતો હોય છે એટલો દૂર નહોતો. તે સ્ટમ્પ્સની નજીકમાં હતો. તેણે હેલ્મેટ પણ પહેરી હતી. બવુમાથી તે થોડો જ દૂર હતો અને મિચલ સ્ટાર્કે કલાકે 138 કિલોમીટરની ઝડપે શૉર્ટ બૉલ ફેંક્યો જેમાં બવુમાના બૅટની કટ લાગ્યા બાદ બૉલ સ્મિથ તરફ આવ્યો હતો જે ખભા જેટલો ઊંચો કૅચ ઝીલવામાં
ઝડપી નહોતો. તે બૉલ ઝીલવામાં નિષ્ફળ ગયો હતો અને એ તેને આંગળી પર વાગ્યો હતો. ફિઝિયોથેરપિસ્ટ અને ડૉક્ટર મેદાન પર આવે એ પહેલાં જ સ્મિથ આંગળીમાં ખૂબ દુખાવો થવાને કારણે ઝડપથી ચાલવા લાગ્યો હતો.
સ્મિથને તાત્કાલિક એક્સ-રે માટે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
સ્મિથ હવે કેટલા દિવસ નહીં રમી શકે એ તો સ્પષ્ટ નહોતું થયું, પરંતુ ડબ્લ્યૂટીસીની વર્તમાન ફાઇનલ બાદ વેસ્ટ ઇન્ડિઝમાં ત્રણ ટેસ્ટની શ્રેણી રમવા તે શરૂઆતથી કદાચ નહીં જઈ શકે.
ઑસ્ટ્રેલિયાની વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ-સિરીઝ પચીસમી જૂને શરૂ થશે.
આ પણ વાંચો…ડબ્લ્યૂટીસી ફાઇનલઃ સાઉથ આફ્રિકાને 282 રનનો પડકારરૂપ લક્ષ્યાંક મળ્યો