વૉર્નરની 100મી ટી-20માં મૅચ-વિનિંગ હાફ સેન્ચુરી

હોબાર્ટ: ઑસ્ટ્રેલિયાએ શુક્રવારે અહીં વેસ્ટ ઇન્ડિઝને સિરીઝની હાઇ-સ્કોરિંગ અને રોમાંચક ટી-20માં 11 રનથી હરાવીને 1-0થી સરસાઈ મેળવી હતી. ડેવિડ વૉર્નરની આ 100મી ટી-20 હતી અને એમાં તેણે મૅચ-વિનિંગ 70 રન બનાવ્યા હતા.
ઑસ્ટ્રેલિયાએ 214 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, પણ રૉવમૅન પોવેલના સુકાનમાં કૅરિબિયન ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે 202 રન બનાવી શકી હતી. સ્પિનર ઍડમ ઝૅમ્પાએ ત્રણ અને ઑલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસે બે તેમ જ જેસન બેહરનડૉર્ફ, ગ્લેન મૅક્સવેલ અને શૉન અબૉટે એક-એક વિકેટ લીધી હતી. બ્રેન્ડન કિંગ (37 બૉલમાં 53 રન) અને જૉન્સન ચાર્લ્સ (પચીસ બૉલમાં 42 રન) વચ્ચેની 89 રનની ઓપનિંગ પાર્ટનરશિપ અને છેલ્લે જેસન હોલ્ડર (34 અણનમ, 15 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર)ની ફટકાબાજી એળે ગઈ હતી.
વેસ્ટ ઇન્ડિઝે છેલ્લી બે ઓવરમાં 40 રન બનાવવાના હતા, પરંતુ હૅઝલવૂડની 19મી તથા અબૉટની 20મી ઓવરમાં હોલ્ડરની ફટકાબાજી છતાં માત્ર પચીસ રન બની શક્યા હતા. અબૉટની 20મી ઓવરમાં 27ને બદલે 15 રન બન્યા હતા.
શૉન અબૉટે એક ટી-20માં સૌથી વધુ ચાર કૅચ પકડવાનો નવો ઑસ્ટ્રેલિયન રેકૉર્ડ રચ્યો હતો. તેણે બ્રેટ લીનો ત્રણ કૅચનો વિક્રમ તોડ્યો હતો.
એ પહેલાં, ઑસ્ટ્રેલિયાએ બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં સાત વિકેટે 213 રન બનાવ્યા હતા જેમાં વૉર્નરે હાઈએસ્ટ 70 રન 36 બૉલમાં એક સિક્સર અને બાર ફોરની મદદથી બનાવ્યા હતા. તેની અને જૉશ ઇંગ્લિસ (પચીસ બૉલમાં 39 રન) વચ્ચે 93 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. આન્દ્રે રસેલે સૌથી વધુ ત્રણ વિકેટ અને અલ્ઝારી જોસેફે બે વિકેટ લીધી હતી.
વૉર્નરને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.