સ્પોર્ટસ

વિવ રિચર્ડ્સે કરી ભવિષ્યવાણી, આ ટીમ જીતશે જૂનનો ટી-20 વર્લ્ડ કપ

કિંગસ્ટન: વેસ્ટ ઇન્ડિઝના મહાન ક્રિકેટર સર વિવ રિચર્ડ્સે નિવૃત્તિ લીધા પછી છેક 14 વર્ષ બાદ ટી-20 ઇન્ટરનૅશનલ મૅચ રમાવાની શરૂ થઈ હતી. વન-ડેના આ વર્લ્ડ ચૅમ્પિયન ખેલાડી ભલે સૌથી ટૂંકા ટી-20ના ફૉર્મેટમાં રમ્યા નથી, પરંતુ આ ફટાફટ ક્રિકેટ વિશે તેમને રજેરજ જાણકારી છે અને આગામી પહેલી જૂને અમેરિકા તથા વેસ્ટ ઇન્ડિઝમાં શરૂ થનારા ટી-20 વર્લ્ડ કપમાં ભાગ લેનારી 20માંની મોટા ભાગની ટીમથી પણ તેઓ પૂરેપૂરા વાકેફ છે.

સર રિચર્ડ્સે પાકિસ્તાનની એક વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂ દરમ્યાન કઈ ટીમ આગામી વર્લ્ડ કપ જીતશે એ વિશે ભવિષ્યવાણી કરી હતી.


સ્વાભાવિક રીતે રિચર્ડ્સનો ઇન્ટરવ્યૂ લેનાર પત્રકારે ધાર્યું જ હશે કે ટી-20ના આગામી ચૅમ્પિયન કોણ? એવા સવાલના જવાબમાં રિચર્ડ્સ પાકિસ્તાનનું જ નામ લેશે. જોકે રિચર્ડ્સનું માનવું કંઈક જૂદું હતું.


રિચર્ડ્સે કહ્યું કે ‘પાકિસ્તાન ક્રિકેટ ટીમ પ્રત્યે મને બેહદ પ્રેમ છે, પરંતુ મને લાગે છે કે વેસ્ટ ઇન્ડિઝ પાસે એટલી બધી સારી ટીમ છે કે એ આ વખતે ટાઇટલ જીતી શકે એમ છે.


આપણે આશા રાખીએ કે યજમાન કૅરિબિયન ટીમ સારું પર્ફોર્મ કરે. આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓ છે જેઓ આ વર્લ્ડ કપમાં કોઈ પણ ટીમને હરાવી શકે એમ છે. માત્ર એટલી આશા રાખીએ કે આ પ્લેયરો ફૉર્મમાં જ રહે અને સર્વશ્રેષ્ઠ પર્ફોર્મ કરે. મને વિશ્ર્વાસ છે કે વેસ્ટ ઇન્ડિઝ હોમ-ગ્રાઉન્ડ પર વર્લ્ડ કપ જીતશે.’


વેસ્ટ ઇન્ડિઝની ટીમના ગ્રૂપ ‘સી’માં ન્યૂ ઝીલૅન્ડ, અફઘાનિસ્તાન, યુગાન્ડા અને પાપુઆ ન્યૂ ગિની પણ છે.
વેસ્ટ ઇન્ડિઝ અગાઉ બે વખત (2012માં, 2016માં) ટી-20 વર્લ્ડ કપ જીત્યું છે. બન્ને વખતે ડૅરેન સૅમી કૅપ્ટન હતો.

વેસ્ટ ઇન્ડિઝની ટીમ: રોવમૅન પૉવેલ (કૅપ્ટન), અલ્ઝારી જોસેફ, જૉન્સન ચાર્લ્સ, રૉસ્ટન ચેઝ, શિમરૉન હેટમાયર, જેસન હોલ્ડર, શાઇ હોપ, અકીલ હોસૈન, શમાર જોસેફ, બ્રેન્ડન કિંગ, ગુડાકેશ મૉટી, નિકોલસ પૂરન, આન્દ્રે રસેલ, શેરફેન રુધરફર્ડ અને રોમારિયો શેફર્ડ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button