વિશ્વનાથન વિરુદ્ધ કાસ્પારોવ, ગુકેશ વર્સસ કાર્લસનઃ જૂના અને નવા હરીફો વચ્ચે થશે ટક્કર

નવી દિલ્હીઃ ચેસ (Chess)માં ભારતનો ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન વિશ્વનાથન આનંદ (ANAND) અને તેનો કટ્ટર હરીફ રશિયાનો ગૅરી કાસ્પારોવ (KASPAROV) ફરી આમનેસામને આવી જાય તો કેવી મજા પડી જાય! એવી જ રીતે ગયા ડિસેમ્બરમાં 19 વર્ષની વયે વિશ્વ વિજેતા બનેલો ભારતનો ડી. ગુકેશ (Gukesh) અને વર્ષોથી વર્લ્ડ નંબર-વનના સિંહાસન પર બેસી રહેલા ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન મૅગ્નસ કાર્લસન (Carlsen) વચ્ચે પણ રસાકસી થાય તો કોને મોજ ન પડે! હકીકત એ છે કે આ હરીફો થોડા જ સમયમાં સામસામે બેસવાના છે અને ચેસ બોર્ડ પર કોણ કોનાથી ચડિયાતું છે એ ફરી એકવાર પુરવાર કરવાના છે.
આગામી ઑક્ટોબરમાં અમેરિકાના સેન્ટ લુઇસમાં શતરંજની પ્રદર્શનીય મૅચો રમાવાની છે જેમાં એક મૅચમાં આનંદ અને કાસ્પારોવ વચ્ચે મુકાબલો થશે અને બીજી મૅચમાં ગુકેશ-કાર્લસન પણ ટકરાશે.
આપણ વાંચો: ભારતીય મૂળની બોધના શિવાનંદને ચેસમાં ત્રણ નવા ઇતિહાસ રચ્યા…
આનંદ-કાસ્પારોવ વચ્ચે છેલ્લે 2021માં ઝાગે્રબમાં ક્રોએશિયા રૅપિડ ઍન્ડ બ્લિટ્ઝ સ્પર્ધામાં ગેમ રમાઈ હતી જેમાં આનંદનો વિજય થયો હતો. સમગ્ર કરીઅરમાં આ બન્ને પીઢ ખેલાડીઓ વચ્ચે કુલ 82 મુકાબલા થયા છે જેમાં કાસ્પારોવનો હાથ ઉપર રહ્યો છે અને 30 ગેમ ડ્રૉમાં પરિણમી છે.
કાર્લસન-ગુકેશ વચ્ચે કુલ 49 ગેમ રમાઈ છે જેમાં કાર્લસન 31-12થી આગળ છે અને છ ગેમ ડ્રૉમાં ગઈ છે.
આનંદ-કાસ્પારોવ મૅચમાં કુલ 12 ગેમ રમાશે અને એમાં કુલ 1,44,000 ડૉલરના ઇનામ આપવામાં આવશે.
અન્ય એક ચેસ ટૂર્નામેન્ટમાં વર્લ્ડ નંબર-વન કાર્લસન, નંબર-ટૂ હિકારુ નાકામુરા, નંબર-થ્રી ફૅબિયાનો કૅરુઆના તેમ જ ગુકેશ વચ્ચે મુકાબલા થશે અને આ સ્પર્ધામાં કુલ મળીને 4,12,000 ડૉલરના ઇનામ આપવામાં આવશે.