સ્પોર્ટસ

સેહવાગે કહ્યું, ‘Team Indiaને કોચિંગ આપતો રહું તો મારા બન્ને દીકરાઓને…’

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયા પછી કેટલાક ખેલાડીઓ ટીમ ઇન્ડિયાને કોચિંગ આપવાનું પસંદ કરતા હોય છે, પરંતુ કેટલાક એ હોદ્દાથી દૂર રહેવાનું પસંદ કરીને માત્ર વહીવટમાં રુચિ રાખતા હોય છે. જેમ કે સૌરવ ગાંગુલી. અનિલ કુંબલેને ટીમ ઇન્ડિયાના હેડ-કોચનો હોદ્દો બહુ નહોતો સદ્યો, પરંતુ રવિ શાસ્ત્રીએ ઘણા વર્ષો એ પદ સંભાળ્યું હતું. રાહુલ દ્રવિડે પણ એ પદ સ્વીકાર્યા બાદ ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી અપાવીને ટીમને ગુડબાય કરી. હવે ગૌતમ ગંભીરે એ જવાબદારી સ્વીકારી છે. જોકે વીરેન્દર સેહવાગનું માનવું કંઈક જૂદું જ છે. ટીમ ઇન્ડિયાને કોચિંગ આપવું તેને બિલકુલ પસંદ નથી એવું (2017માં અરજી નિષ્ફળ ગયા પછી) હવે કેમ કહે છે એ જાણવા જેવું છે.

ભૂતપૂર્વ ભારતીય ઓપનર 2016માં પંજાબ કિંગ્સનો મેન્ટર તેમ જ 2017 અને 2018માં ડિરેકટર ઑફ ક્રિકેટ હતો. ઉલ્લેખનીય છે કે 2017માં સેહવાગે ટીમ ઇન્ડિયાના હેડ-કોચના હોદ્દા માટે અરજી કરી હતી, પરંતુ ક્રિકેટ ઍડવાઇઝરી કમિટીએ તેની પહેલાં રવિ શાસ્ત્રી પર પસંદગી ઉતારી હતી. ત્યાર બાદ સેહવાગે ક્યારેય ટીમ ઇન્ડિયાના કોચ બનવા અરજી નથી કરી.

વીરુદાદાએ એક જાણીતા દૈનિકને આપેલી મુલાકાતમાં ‘તમે ભવિષ્યમાં ટીમ ઇન્ડિયાને કોચિંગ આપવાનું પસંદ કરશો?’ એવા સવાલના જવાબમાં કહ્યું હતું કે તે આઇપીએલની ટીમને કોચિંગ આપવાનું પસંદ કરશે, પણ ટીમ ઇન્ડિયાના હેડ-કોચ બનવાનું (ટીમના વ્યસ્ત શેડ્યૂલને કારણે) ક્યારેય પસંદ નહીં કરે.

સેહવાગે આ મુદ્દે વિગતથી જણાવ્યું હતું કે ‘જો આઇપીએલની કોઈ ટીમને કોચિંગ આપવાનું કહેવામાં આવશે તો હું સ્વીકારીશ, પણ ભારતીય ટીમને કદી નહીં. જો હું ભારતીય ટીમનો કોચ બનીશ તો હું ખેલાડી તરીકે 15 વર્ષથી જે રુટિનમાં હતો એ જ રુટિનમાં પાછો આવી જઈશ. એ સમય હતો જ્યારે હું દોઢ દાયકા સુધી રમ્યો હતો અને વર્ષમાં આઠ મહિના ઘર-પરિવારથી દૂર રહેતો હતો. જોકે હવે મારા બાળકો 14 વર્ષ અને 16 વર્ષના થઈ ગયા છે અને તેમને મારી જરૂર છે. મારા બન્ને દીકરા ક્રિકેટ રમે છે અને મારે તેમને કોચિંગ આપવાનું હોય છે એટલે વર્ષનો ઘણો ખરો સમય તેમની સાથે રહેવું જરૂરી છે.’
સેહવાગે 2004માં આરતી આહલાવત સાથે લગ્ન કર્યા હતા. તેમનો મોટો પુત્ર આર્યવીર 16 વર્ષનો અને નાનો દીકરો વેદાંત 14 વર્ષનો છે. વીરેન્દર-આરતીનો એક પુત્ર ઑફ-સ્પિનર અને બીજો પુત્ર ઓપનિંગ બૅટર છે.

સેહવાગ અખબારને ઇન્ટરવ્યૂમાં વધુમાં કહે છે કે ‘હું જો ટીમ ઇન્ડિયાને કોચિંગ આપવાનું શરૂ કરું તો મારા માટે મોટો પડકાર બની જાય, કારણકે હું ભારતીય ખેલાડીઓને કોચિંગ આપવા વર્ષના આઠ મહિના પરિવારથી દૂર રહું તો મારા બન્ને દીકરા મારા પ્રશિક્ષણથી વંચિત રહી જાય. હા, આઇપીએલની કોઈ ટીમ મને કોચ બનાવવા માગતી હોય તો હું જરૂર વિચારીશ.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button