વિરાટ કોહલી ચિલ્લી-ચિકનમાંથી હવે ચિલ્લી-પનીર પર આવી ગયો છે
નવી દિલ્હીઃ દિલ્હી વતી 12 વર્ષે રણજી ટ્રોફીમાં ફરી રમવા આવેલો વિરાટ કોહલી આજે અહીં રેલવે સામેની મૅચમાં ફક્ત છ રન બનાવ્યા બાદ ક્લીન બોલ્ડ થઈ ગયો એ વાત અલગ છે, પણ બે-ત્રણ દિવસથી તે અરુણ જેટલી સ્ટેડિયમ (ફિરોઝશા કોટલા સ્ટેડિયમ)ની કૅન્ટીનની મનપસંદ વાનગી જરૂર માણી રહ્યો છે.
કોહલી થોડા વર્ષોથી વેજિટેરિયન થઈ ગયો છે. અગાઉ તે આ કૅન્ટીનમાં ચિલ્લી-ચિકન ખૂબ ખાતો હતો. એ તેની મોસ્ટ ફેવરિટ વાનગી હતી, પણ શાકાહારી બન્યા પછી તેની પસંદગીની વાનગીઓ બદલાઈ ગઈ છે અને તે હવે ચિલ્લી-પનીર વધુ ખાવાનું પસંદ કરતો હોય છે.
આપણ વાંચો: વિરાટ કોહલીના સાવ સસ્તામાં ડાંડિયા ડૂલ… હજારો પ્રેક્ષકો સ્તબ્ધ
કોહલીએ વર્તમાન મૅચ પહેલાં પ્રૅક્ટિસના એક દિવસે દિલ્હીની ટીમના સાથી ખેલાડીઓ સાથે કઢી-ચાવલનો સ્વાદ માણ્યો હતો.
અરુણ જેટલી સ્ટેડિયમની કૅન્ટીનના ચીફ સંજય ઝાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે કોહલીએ તેના માટે લંચમાં ચિલ્લી-પનીર બનાવવાનું અમને કહ્યું હતું.
સંજય ઝાએ કહ્યું, `હું પચીસ વર્ષથી આ સ્ટેડિયમની કૅન્ટીન ચલાવું છું. કોહલી નાનો હતો ત્યારથી તે અમારી કૅન્ટીનમાં આવે છે અને સામાન્ય માણસની જેમ જ અમારી સાથે વર્તે છે. અગાઉ ચિલ્લી-ચિકન તેની ફેવરિટ ડિશ હતી, પરંતુ તે શાકાહારી બની ગયો છે ત્યારથી તેણે કોઈ પણ પ્રકારનું માંસ કે નૉન-વેજ ફૂડ ખાવાનું બંધ કરી દીધું છે અને હવે ચિલ્લી-પનીર તેની ફેવરિટ ડિશ છે.’