સ્પોર્ટસ

7,000મી આંતરરાષ્ટ્રીય સેન્ચુરી લખાઈ વિરાટના નામે, જાણો કેવી રીતે…

રાંચી: રવિવારે વિરાટ કોહલી (135 રન, 120 બૉલ, સાત સિક્સર, અગિયાર ફોર)એ સાઉથ આફ્રિકા સામે સિરીઝની પ્રથમ વન-ડેમાં કેટલીક અનોખી સિદ્ધિઓ મેળવી એમાં 7,000ના જાદુઈ આંકડાને કારણે તે ક્રિકેટ જગતમાં વધુ છવાઈ ગયો છે.

વન-ડે ક્રિકેટમાં હાઈએસ્ટ બાવનમી સેન્ચુરી ફટકારનાર વિરાટ (Virat) રવિવારે આ ફોર્મેટમાં 44મી વખત મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર જીત્યો, વન-ડે ક્રિકેટમાં સાઉથ આફ્રિકા સામે સચિન તેંડુલકર તથા ડેવિડ વોર્નરની સૌથી વધુ પાંચ-પાંચ સેન્ચુરી (century)નો વિક્રમ તોડીને છઠ્ઠી સદીનો રેકોર્ડ પોતાના નામે કર્યો, વન-ડે ક્રિકેટમાં રોહિત શર્મા સાથેની જોડીમાં 20મી ભાગીદારી કરીને સંગકારા-દિલશાનની જોડીને પાછળ રાખી દીધી, ઘરઆંગણે વન-ડેમાં આઠમી વખત (પણ છેલ્લા પાંચ વર્ષમાં પહેલી વખત) રોહિત સાથે સેન્ચુરી પાર્ટનરશિપ કરી તેમ જ રોહિત શર્મા સાથેની જોડીમાં ભારત વતી 392મી આંતરરાષ્ટ્રીય મૅચ રમીને સચિન-દ્રવિડની જોડીનો 391 મૅચનો ભારતીય વિક્રમ તોડ્યો હતો.

વિરાટ કોહલીએ રવિવારે રાંચીમાં સાઉથ આફ્રિકા સામે વન-ડે કરિયરની જે બાવનમી સેન્ચુરી ફટકારી એ નંબરની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમી ચૂકેલા તમામ ક્રિકેટરોમાં કુલ મળીને 7,000મી ઇન્ટરનેશનલ સેન્ચુરી હતી.

બીજી રીતે કહીએ તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ મળીને 7000 સદી ફટકારવામાં આવી છે જેમાંથી 83 વિરાટ કોહલીના નામે છે. વન-ડેમાં તેની 52, ટેસ્ટમાં 30 અને ટી-20 ક્રિકેટમાં એક સેન્ચુરી છે.

કઈ સીમાચિહ્નનરૂપ આંતરરાષ્ટ્રીય સદી કોના નામે

1000મી: ઈયાન ચેપલ (ઑસ્ટ્રેલિયા), 1968માં ઇંગ્લૅન્ડ સામે

2000મી: ડીન જોન્સ (ઑસ્ટ્રેલિયા), 1990માં ભારત સામે

3000મી: સ્ટીવ વૉ (ઑસ્ટ્રેલિયા), 2001માં વેસ્ટ ઇન્ડિઝ સામે

4000મી: કુમાર સંગકારા (શ્રીલંકા), 2007માં ભારત સામે

5000મી: રૉસ ટેલર (ન્યૂ ઝીલેન્ડ), 2014માં પાકિસ્તાન સામે

6000મી: એસ. વિક્રમસેકરા (ચેક રિપબ્લિક), 2019માં, ઑસ્ટ્રિયા સામે

7000મી: વિરાટ કોહલી (ભારત), 2025માં સાઉથ આફ્રિકા સામે

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button