Ranji Trophy: વિરાટને જોવા ચાહકોનું ઘોડાપુર ઉમટ્યું; ધક્કામુક્કી થતાં ત્રણ ઘાયલ, સુરક્ષામાં ચૂક
દિલ્હી: ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટર વિરાટ કોહલી 12 વર્ષ બાદ રણજી મેચ (Virat Kohli in Ranji Trophy) રમી રહ્યો છે. વિરાટ દિલ્હીની ટીમ તરફથી રેલવેની ટીમ સામે મેચ રમી (Delhi vs Railway) રહ્યો છે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. એવામાં અહેવાલ છે કે વિરાટને રમતો જોવા માટે ચાહકોની ભારે ભીડ ઉમટી છે, સ્ટેડીયમાં પ્રવેશવા માટે દર્શકો ધક્કામુક્કી કરી રહ્યા છે, જેમાં કેટલાક લોકો ઘાયલ થયા છે. આ ઉપરાંત વિરાટની સુરક્ષામાં પણ ચૂક થઇ હોવાના સમાચાર છે.
સ્ટેડિયમની બહાર ધક્કામુક્કી:
અહેવાલ મુજબ વિરાટ કોહલીને જોવા માટે ચાહકો સવારે 3 વાગ્યાથી જેટલી સ્ટેડિયમની બહાર ઉમટવા લાગ્ય હતાં. અહેવાલ મુજબ માત્ર 10,000 ચાહકોને જ સ્ટેડીયમમાં પ્રવેશવાની મંજુરી આપવામાં આવી છે. વિરાટ ચાહકો કોઈ પણ શરતે સ્ટેડિયમમાં પ્રવેશવા જીદ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, સ્ટેડિયમની બહાર ધક્કામુક્કી મચી ગઈ હતી, જેના કારણે કેટલાક ચાહકો ઘાયલ થયા.
ત્રણ દર્શકો ઘાયલ:
અહેવાલ મુજબ ગેટ-16 ની બહાર એકઠા થયેલા લોકો એકબીજાને ધક્કો મારવા લાગ્યા. જેના કારણે કેટલાક ગેટ પાસે પડી ગયા, આ ઘટનામાં ત્રણ દર્શકો ઘાયલ થયા હતા. જ્યારે પોલીસની એક બાઇકને પણ નુકસાન પહોંચડવામાં આવ્યું છે. કેટલાક લોકોએ પોતાના જૂતા અને ચંપલ ત્યાં જ છોડી દીધા.
દિલ્હી ડિસ્ટ્રિક્ટ એન્ડ ક્રિકેટ એસોસિએશન (DDCA) ના સુરક્ષા કર્મચારીઓ અને પોલીસકર્મીઓ દ્વારા ઘાયલ ચાહકોની ગેટ પાસે સારવાર કરવામાં આવી હતી. ભીડને કાબુમાં લેવાનો પ્રયાસ કરતી વખતે એક પોલીસકર્મી પણ ઘાયલ થયો હતો.
વિરાટની સુરક્ષામાં ચૂક:
મેચમાં દિલ્હીની ટીમ ફિલ્ડીંગ કરી રહી છે, મેચ દરમિયાન વિરાટ કોહલીની સુરક્ષામાં ચૂકની પણ માહિતી મળી છે. મેચ જોવા માટે આવેલો એક દર્શક ગૌતમ ગંભીર સ્ટેન્ડની સામે નેટ ઉપર કૂદીને મેદાનમાં પહોંચ્યો અને સીધો વિરાટ કોહલી પાસે ગયો. તેણે વિરાટ કોહલીના પગ સ્પર્શ્યા.
આ પણ વાંચો…સૂર્યકુમારે રાજકોટની હાર માટેના કારણમાં કહ્યું, `મેં ધાર્યું હતું કે…’
આ દરમિયાન, તૈનાત પોલીસ અને સુરક્ષા કર્મચારીઓ મેદાન પર દોડી ગયા. તેઓ દર્શકને પકડીને બહાર લઇ ગયા. આ ઘટના બાદ, બાઉન્ડ્રી પર સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા.