રાજકોટસ્પોર્ટસ

કોહલી વન-ડેમાં શા માટે હંમેશાં રોહિતથી એક ડગલું આગળ રહેતો હોય છે? મોહમ્મદ કૈફે બારીકાઈથી કર્યું વર્ણન

રાજકોટઃ સમગ્ર આંતરરાષ્ટ્રીય વન-ડે ક્રિકેટમાં રોહિત શર્મા (Rohit Sharma)ના 264 રનનો વ્યક્તિગત સ્કોર સર્વશ્રેષ્ઠ છે અને આ ફૉર્મેટમાં તેની જેમ ત્રણ-ત્રણ ડબલ સેન્ચુરી પણ કોઈ નથી ફટકારી શક્યું એમ છતાં વિરાટ કોહલીને હંમેશાં વન-ડે ક્રિકેટમાં રોહિતથી એક ડગલું આગળ ગણવામાં આવે છે.

રોહિતે વન-ડે ક્રિકેટની 281 મૅચમાં કુલ 49.00ની સરેરાશે 11,566 રન કર્યા છે. બીજી તરફ, કોહલી (Kohli)ના 310 મૅચમાં 58.45ની ઍવરેજે કુલ 14,673 રન છે. રોહિતની 33 સેન્ચુરી સામે કોહલીની 53 સદી છે.

આ તો થઈ આંકડાની સરખામણી જેમાં રોહિતથી કોહલી ઘણો આગળ છે જ, પણ ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફનું કહેવું કંઈક જૂદું છે. તે કહે છે, ` કોહલી વન-ડેમાં મોટા ભાગે ઇનિંગ્સને એવી માનસિકતા અને કાબેલિયતથી શરૂ કરે છે જેમાં તે ઘણી વખત મૅચ-વિનિંગ ઇનિંગ્સમાં ફેરવવામાં સફળ રહે છે.’

આપણ વાચો: ‘બચ્ચે કો બીચ મેં મત લાઓ…’ મુંબઈ એરપોર્ટ પર રોહિત શર્માએ બેદરકાર માતાપિતાને ઠપકો આપ્યો, જાણો કેમ

હવે કોહલી નંબર-વન, રોહિત ત્રીજે

હમણાં સુધી રોહિત શર્મા વન-ડે ક્રિકેટના રૅન્કિંગમાં નંબર-વન હતો અને કોહલી બીજા નંબરે હતો, પણ બુધવારે જાહેર કરવામાં આવેલા નવા આઇસીસી રૅન્કિંગ મુજબ કોહલીએ રોહિત પાસેથી મોખરાનું સ્થાન આંચકી લીધું છે. હવે કોહલી સાડા ચસર વર્ષે (જુલાઈ, 2021 બાદ) ફરી નંબર-વન અને ન્યૂ ઝીલૅન્ડનો ડેરિલ મિચલ નંબર-ટૂ અને રોહિત નંબર-થ્રી છે. રોહિત અને કોહલી, બન્ને દિગ્ગજ ખેલાડી ટેસ્ટ અને ટી-20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્ત થઈ ગયા છે.

કોહલી 30-40 રન કરે એટલે…

મોહમ્મદ કૈફ (Mohammed Kaif) પોતાની યુટ્યૂબ ચૅનલ પર કહે છે, ` કોહલી શરૂઆતને મોટી ઇનિંગ્સમાં સારી રીતે ક્નવર્ટ કરી શકે છે. મોટા ભાગે એવું બને છે કે તે 30-40 રન કરે એટલે છેક સુધી ક્રીઝમાં ટકી જ રહેતો હોય છે અને વિજય અપાવે છે. જો તે ફૉર્મમાં હોય તો સતતપણે આવી ઇનિંગ્સ રમે છે. એટલે જ મને લાગે છે કે વન-ડેમાં રોહિત કરતાં કોહલી ચડિયાતો છે. કોહલી સતતપણે રન કરે છે અને લાંબી ઇનિંગ્સ રમે છે.’

આપણ વાચો: ચાહકોએ કરી હાથ પકડી સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો, રોહિત શર્માએ આપી આવી પ્રતિક્રિયા

કોહલી પોતાની ભૂલ પ્રત્યે સજાગ

કોહલી પોતાની બૅટિંગ પ્રત્યે કેટલી બધી તીવ્રતા ધરાવે છે અને પોતાના પર્ફોર્મન્સ વિશે સતત જાગૃત પણ રહેતો હોય છે. તેણે ન્યૂ ઝીલૅન્ડ સામેની પ્રથમ વન-ડેમાં 93 રન કર્યા હતા અને કાઇલ જૅમીસનના બૉલમાં બૅટને વર્ટિકલ પૉઝિશનમાં રાખીને બૉલને એક્સ્ટ્રા કવર તરફ મોકલવા ગયો ત્યારે કૅપ્ટન માઇકલ બ્રેસવેલના હાથમાં કૅચઆઉટ થયો હતો. કૈફ કહે છે, ` કોહલી 93 રન પર આઉટ થઈને જે રીતે માથું ધુણાવતો પાછો આવ્યો એના પરથી ખ્યાલ આવી જાય છે કે તે પોતાની ભૂલ પર પસ્તાવો કરી રહ્યો હતો.’

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button